કચ્છમાં દલિતોને સાંથણીમાં મળેલી જમીનો પરત નહીં અપાવો તો રાષ્ટ્રધ્વજ લહેરાવી કબ્જો મેળવશું
રાપરના બેલા અને નંદા ગામે જમીન ખાલી કરાવી આપો
તંત્ર યોગ્ય નહીં કરે તો ૧૫ ઓગસ્ટના દલિતો દબાણ દૂર કરાવશેઃ ભુજમાં વડગામના ધારાસભ્ય મેવાણીની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
ભુજ : કચ્છમાં દલિત સમાજને ફાળવાયેલી ૩ હજાર એકર જમીન પર અસામાજીક તત્વોએ અડીંગો જમાવી લીધો હોવાથી તે પરત આપવાની માંગ સાથે આજે ભુજમાં વડગામના ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ માંગ કરી હતી. જિલ્લામાં દલિત સમાજને સાંથણીમાં મળેલી જમીન પરત મળે તે માટે આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી મેવાણીએ આપી હતી.
ભુજમાં યોજાયેલ પત્રકાર પરિસદમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તંત્ર વહેલી તકે રાપર તાલુકાના બેલા અને નાંદાની જમીનો ખાલી કરાવીને મૂળ ખાતેદારોને કબજે નહીં સોંપે તો ૧૫ ઓગસ્ટના રાષ્ટ્રધ્વજ ફરકાવી કબજો મેળવવામાં આવશે.આગામી સમયમાં ૩૦૦૦ એકર જમીન ખાલી કરાવવા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
દાયકાઓ પહેલા દલિત સમાજને કચ્છમાં સાંથણીમાં જમીનો મળી છે પરંતું તે જમીનો પર માથાભારે તેમજ અસામાજીક તત્વોએ કબ્જો જમાવ્યો છે. આ અંગે લડત શરૂ થયા બાદ કેટલીક જમીન પરત મળી છે પરંતુ હજુ ઘણી જમીન નથી મળી જે અંગે ફરી લડત આરંભાઈ છે. મેવાણીએ કહ્યું હતું કે, આ બાબતે તંત્રમાં વારંવાર રજુઆત કરવા છતાં કોઈ જ ગંભીરતા દાખવાતી નથી. ત્યારે, આગામી સમયમાં ૩ હજાર એકર જમીન ખાલી કરાવવા ઉગ્ર આંદોલન કરવાની તૈયારી બતાવી હતી. પત્રકાર પરિષદમાં તેમણે કચ્છમાં ઉદ્યોગના કારણે વિકાસ નહીં પણ વિનાશ થતું હોવાનું કહ્યું હતું. તેમની સાથે કચ્છ દલીત અધિકાર મંચના હિતેશ મહેશ્વરી વિગેરે આગેવાનો જોડાયા હતા.
આજે આ મુદ્દે જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને રેન્જ આઇ. જી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં દલિત આગેવાનો જોડાયા હતા.