ગુજરાતનું 'જામતારા', ભાડુતી બેન્ક ખાતા દ્વારા સાયબર ફ્રોડના પૈસાની હેરાફેરીનું દેશવ્યાપી કૌભાંડ પકડાયું
Gujarat: ગાંધીધામના યુવાને તેના મિત્રોના બેન્ક ખાતાનો ઉપયોગ કરી દેશ વ્યાપી છેતરપિંડીનો કારસો ચલાવ્યો હોવાનું એક ફરિયાદ પરથી બહાર આવ્યા બાદ હવે સંપૂર્ણ કૌભાંડ ખુલ્યું છે. મિત્રતા અને લાલચને ઢાલ બનાવી મિત્ર પાસે બેન્ક ખાતાનો ઉપયોગ કરવા માટે મેળવી લીધા બાદ તે બેન્ક ખાતામાં માત્ર અઢી મહીનામાં જ કુલ 23 બેન્ક ખાતાં ભાડે મેળવીને 12.24 કરોડ રૂપિયા જેવી તોસ્તાન રકમની હેરાફેરી કરાયાની વિગતો ખુલી છે.
પોલીસે આરોપી પાસેથી બેંકોની પાસબુક, ATM કાર્ડ અને ચાર સીમ કાર્ડ કબ્જે કર્યા
ગાંધીધામના નરેન્દ્ર કિશનભાઈ રાજપૂત તેમજ મુળ કચ્છના અને હાલ અમદાવાદમાં રહેતા પ્રમોદ કુમાર ઉર્ફે આષિશ જાંગીરની ધરપકડ કરી છે. અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં રહેતી મુળ કચ્છની હસ્મિતા ઠક્કર નામની યુવતીનું નામ પણ ખાતાં ભાડે મેળવવાના કારસ્તાનમાં ખુલ્યું છે. જેમાં ઝડપાયેલા શખ્સોએ ગાંધીધામમાંથી 18 અને અમદાવાદમાં 4 તેમજ મોડાસામાં એક મળી કુલ 23 બેન્કના ખાતાઓ અન્ય આરોપીઓને છેતરપિંડી કરવા માટે આપ્યા હોવાનું બહાર આવ્યું છે. હાલે પોલીસે ઝડપયેલા શખ્સો પાસેથી 4 મોબાઈલ ફોન, લેપટોપ, અલગ અલગ બેંકોની પાસબુક અને એ. ટી. એમ ક્રેડિટ કાર્ડ અને ચાર સીમ કાર્ડ કબ્જે કર્યા હતા.
પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
ગાંધીધામના સુંદરપુરીમાં રહેતા ચિરાગ સાઘુએ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે, નરેન્દ્ર કિશનભાઈ રાજપૂત તેનો મિત્ર છે અને બે- અઢી મહિના અગાઉ મળવા બોલાવીને તેના રૂપિયા આવવાના હોવાથી 2-3 દિવસ પૂરતું તેના બેંક ખાતાનો ઉપયોગ કરવા દેવા વિનંતી કરી હતી. ચિરાગને મનાવી લઈ નરેન્દ્રએ બેન્ક આફ કર્ણાટકમાં નવું ખાતું ખોલાવી નવું સીમ અને એટીએમ કાર્ડ, પાસબૂક પોતાની પાસે રાખી લીધા હતા. થોડાં દિવસ બાદ નરેન્દ્રએ ફરી રૂબરૂ મળીને બધું અટકી ગયું છે, મિત્રના રૂપિયા આવશે તો જ મારા રૂપિયા છૂટા થશે તેવું કહીને ચિરાગ સાઘુના દસ્તાવેજો ઉપર બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં બીજું ખાતું ખોલાવ્યું હતું. જે બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું અને એક બેન્ક ખાતાની તપાસ કરતા તેમાં 90 લાખથી વધુના ટ્રાન્ઝેક્શનઓ થયા હોવાની જાણ મળતા સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે નરેન્દ્રને ઝડપી લીધો હતો
ફરિયાદીના એકાઉન્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી સાત ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે નરેન્દ્રને ઝડપી લીધો હતો. ગાંધીધામના નરેન્દ્ર રાજપૂતની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે ગાંધીધામનાં અલગ 18 લોકો પાસે તથા મોડાસા અને અમદાવાદના 5 માણસો પાસે નવુ સિમ કાર્ડ લેવડાવી કર્ણાટક બેન્ક ગાંધીધામ તથા બેન્ક ઓફ મહારાષ્ટ્ર ગાંધીધામ તથા અરવલ્લી જીલ્લાના મોડાસાની બેન્ક ઓફ મહારાષ્ટ્ર બેંકમાં અલગ- અલગ તારીખોમાં કુલ-23 એકાઉન્ટ ખોલાવ્યા હતા. તમામ એકાઉન્ટોની કિટ અને એ. ટી. એમ. મૂળ સિકર, રાજસ્થાન અને હાલે નિકોલ, અમદાવાદમાં રહેતા પ્રમોદ કુમાર ઉર્ફે આષિશ જાંગીર નામના વ્યક્તિને આપતો હતો. જેમાં પ્રમોદ મૂળ ગાંધીધામ અને હાલે અમદાવાદ ખાતે રહેતી હસ્મિતા મનોજભાઈ ઠક્કર અને આદિપુર ખાતે રહેતા રાજ દિપકભાઈ ધનવાણીને આપતો હતો. જેથી પોલીસે પ્રમોદ કુમારને પણ ઝડપી લીધો હતો.
પોલીસે હાલ આ 23 એકાઉન્ટ ફ્રીઝ કર્યાં
પોલીસે હાલ આ 23 એકાઉન્ટ ફ્રીઝ કર્યાં છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, ગાંધીધામ અને અમદાવાદમાં સક્રિય એવી આ ટોળકીએ અત્યાર સુધીમાં કુલ 23 બેન્ક એકાઉન્ટ ભાડે મેળવ્યાં હતાં. આ 23 એકાઉન્ટમાં અત્યાર સુધી રૂ.12,24,27,107ની માતબર રકમ જમા થઇ છે. આરોપીઓએ અન્ય લોકોને છેતરી કુલ 12.24 કરોડ રૂપિયા આ 23 એકાઉન્ટસમાં જમા કરાવ્યા હોવાનું પણ સ્પષ્ટ થયું છે. હાલે પોલીસ મુળ આદિપુરની અને હાલ અમદાવાદમાં રહેતી અસ્મિતા મનોજભાઈ ઠક્કર અને આદિપુરમાં રહેતા રાજ દિપકભાઈ ધનવાણીને શોધી રહી છે.
ચારેય આરોપીઓનું મુખ્ય કામ બેન્ક ખાતાં આપવાનું
પૂર્વ કચ્છ એસપીના જણાવ્યા અનુસાર ઝડપાયેલા આરોપી નરેન્દ્ર અને પ્રમોદકુમાર તેમજ પકડવાની બાકી એવી હસ્મિતા આ ત્રણેય આરોપીઓનું મુખ્ય કામ તેમના ઓળખીતાઓ પાસેથી બેન્ક ખાતાઓ ઉધાર લેવાનું છે. નરેન્દ્ર અને પ્રમોદકુમાર ખાતાઓ એકત્રિત કરી હસ્મિતા ને આપતા જ્યારે હસ્મિતા એકાત્રિત થયેલા એકાઉન્ટ આદિપુરના રાજને આપતી એટલે કે આ સંપૂર્ણ કૌભાંડનો માસ્ટર માઈન્ડ રાજ છે. રાજ જ્યારે પકડાશે ત્યારે આખોભાંડ કોણ ચલાવે છે અને કઈ રીતે છેતરપિંડી કરે છે તે તમામ હકીકત બહાર આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ, ગુજરાત-રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી