ગાંધીધામની ઝૂંપડપટ્ટીઓમાં ડિગ્રી વગરના ડોક્ટરનો રાફડોઃ એક ઝડપાયો
એલોપથી દવાઓ અને સાધનો કબજેઃ ૪-૫ બોગસ ડોક્ટરો વચ્ચે એસ.ઓ.જી.ને માત્ર એક જ બોગસ ડોક્ટર દેખાતા આશ્ચર્ય
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છ એસ.ઓ.જીની ટીમે ગાંધીધામના પી.એસ. એલ કાર્ગો ઝુંપડા વિસ્તારમાં પૂર્વ બાતમીના આધારે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી વગર પોતાના કબ્જાની દુકાનમાં એલોપેથી દવાઓ અને મેડિકલનાં સાધનો રાખી લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરનાર મૂળ રાજસ્થાન સાંચોરનાં આરોપી પુનમારામ કેહરારામ રબારી (હાલે રહે. કાર્ગો આહીરવાસ ગાંધીધામ)ને ઝડપી પાડયો હતો અને તેના પાસેથી કુલ રૂ. ૨૯,૮૩૦ કિંમતની એલોપેથીક દવાઓ અને મેડિકલનાં સાધનો પોલીસે કબ્જે કરી આરોપી પુનમારામ વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કાર્ગો પીએસએલ વિસ્તાર કે જ્યાં ૪થી ૫ જગ્યાએ આવા ઊંટવૈદ જોખમી પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેમના પર કાર્યવાહી કરવા અગાઉ માંગ પણ કરાઇ હતી પરંતુ તંત્ર તેમના પર કાર્યવાહી કરવામાં સંકોચ અનુભવી રહ્યું હતું તેવામાં બોર્ડર રેન્જ આઈ.જી.ના લોકદરબારથી પહેલા ૪-૫ બોગસ ડોક્ટરો માથી માત્ર એક ઊંટવૈદને ઝડપી પાડી કાગળ પર કામગીરી દર્શાવી દીધી હતી જ્યારે વર્ષોથી જોખમી પ્રેક્ટીસ કરી રહેલા બોગસ ડોક્ટર પર કોઈ કાર્યવાહી ન કરાઇ રહી હોવાના આક્ષેપો પણ ઉઠયા છે.