ગાંધીધામ : રેલવે બ્રિજના ધૂળિયા ડાયવર્ઝનથી રાહદારીઓ ત્રસ્ત

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
ગાંધીધામ : રેલવે બ્રિજના ધૂળિયા ડાયવર્ઝનથી રાહદારીઓ ત્રસ્ત 1 - image


૭૦ ટ્રેનની અવરજવરવાળા ફાટકથી હજારો લોકો પસાર થાય છે

રાજવી ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ લાંબા સમયથી ચાલુ હોવા છતાં ડાયવર્ઝનવાળા માર્ગ ઉપર ડામર ન જ પથરાયો 

ગાંધીધામ: અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં આવતા રેલ્વે ક્રોસિંગ હંમેશથી લોકો માટે શિરદર્દ બનેલા રહ્યા છે. જેમાંથી ગાંધીધામથી એરપોર્ટને જોડતા હાઇવે પર આવતા રેલ્વે ફાટક પર વર્ષોથી ઓવરબ્રિજ બનવાનું કામ ચાલુ છે પરંતુ તે પૂરું થવાનું નામ નથી લેતું પરિણામે ૭૦થી વધુ ટ્રેનોની અવાર-જવરના કારણે લોકોના કલાકો બગડી રહ્યા છે. તેમ છતાં તંત્રને લોકો પર દયા આવતી નથી અને જે ડાયવર્ઝન રોડ બનાવવામાં આવ્યો છે. તેમાં પણ ડામર પાથરવામાં નથી આવ્યું પરિણામે આ માર્ગ ધૂળિયો બની જતાં લોકો પાયમાલ થઈ રહ્યા છે. 

મુન્દ્રા તરફથી આવતી માલવાહક ટ્રેનો અને પેસેન્જર ટ્રેનો જે ગાંધીધામ આવે-જાય છે તે તમામ રાજવી ફાટક થઈને જતી હોવાથી દરરોજ ટ્રેનોની સંખ્યા ૭૦થી વધી જતી હોવાથી અહી ઓસ્લો ઓવરબ્રિજની સાથે જ રાજવી ઓવરબ્રિજ  મંજૂર કરવામાં આવ્યો હતો. આ બંને બ્રિજનું કામ પણ એક જ પાર્ટી કરતી હોવાની વાતો વચ્ચે આ બંને બ્રિજનું કામ પૂરું કરવામાં ખૂબ સમય લાગ્યો છે. ત્યારે પહેલા બની ગયેલા ઓસ્લો બ્રિજ ખુલ્લુ મૂકવા કોંગ્રેસે દબાણ કરતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ રાજવી બ્રિજની કોઈને પડી ન હોવાથી હજુ પણ કામ અધૂરું જ છે અને હજુ એક વર્ષ જેટલો સમય લાગી જાય તેવા આસાર દેખાઈ રહ્યા છે. ત્યારે આ માર્ગ પર ૭૦થી વધુ ટ્રેનો આવતી હોવાથી લોકો કલાકો સુધી લાઇનમાં લાગેલા જોવા મળતાં હોય છે. આમ છતાં તંત્રને દયા આવતી નથી અને જે ડાયવર્ઝન આપેલું છે તેમાં પણ ડામર પાથર્યો ન હોવાથી વરસાદી સિઝન બાદ આ માર્ગ ધૂળિયો બની ગયો છે. પરિણામે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જેથી આ બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થાય અને ડાયવર્ઝન વાળા માર્ગ પર તાત્કાલિક ડામર પાથરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે. 



Google NewsGoogle News