લાખીયાવીરાના છેતરપીંડીના કેસમાં ભચાઉના ચાર ધૂતારાઓ ઝડપાયા
ધર્મની બહેન બનાવીને સાધુના વેશમાં પુત્ર પ્રાપ્તિની વિધિના નામે કરી હતી ઠગાઇ
આરોપીઓને મોબાઇલ લોકેશનના આધારે પશ્ચિમ કચ્છ પોલીસની ટીમે થરાદથી ઝડપી લીધા
ભુજ: નખત્રાણા તાલુકાના લાખીયાવીરા ગામના દંપતિને સાધુના વેશમાં આવીને ઘરની પરિસ્થિતિ અને પુત્ર પ્રાપ્તિની વિધિ કરાવવાના નામે રૂપિયા ૨ લાખ અને ૭૪,૭૦૦ની કિંમતના સોના ચાંદીના ઘરેણા પડાવી લઇ છેતરપીંડી આતરવાના કેસમાં ભચાઉના ચાર ધૂતારાઓને પશ્ચિમ કચ્છ નખત્રાણા પોલીસની ટીમે થરાથ (બનાસકાંઠા)થી ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.
નખત્રાણા પોલીસ મથકના એએસઆઇ વીકેશ રાઠવાએ ફરિયાદી પાસેથી આરોપીઓના મોબાઇલનું લોકેશન મેળવી નખત્રાણા પોલીસની એક ટીમે થરાદ બનાસકાંઠા પહોંચી હતી. જ્યાંથી આરોપી કેશનાથ જાફરનાથ વાદી (ઉ.વ.૩૯) રહે હાલ દાયાપર, અબડાસા તાલુકાના બાડીયા ગામે રહેતા સાવનનાથ ઉર્ફે નેનુનાથ સુમારનાથ વાદી (ઉ.વ.૨૧), બિછાનાથ સાહેબનાથ વાદી (ઉ.વ.૩૫), અને દેવનાથ ઉર્ફે નેનુનાથ ડાલનાથ વાદી (ઉ.વ.૨૬) મુળ તમામ ભચાઉના વાદીનગરનાઓને ઝડપી પાડીને નખત્રાણા પોલીસ મથકે લઇ આવી પુછપરછ કરતાં આરોપીઓએ નખત્રાણા તાલુકાના લાખીયાવીરા ગામે સાધુના વેશમાં મહિલાને ધર્મની બહેન બનાવી ઘરની પરિસ્થિતિ અને પુત્ર પ્રાપ્તિ માટે ચુંદડી, નાળીયર, સોપારી, લીંબુ મરચાં આપી ધામક વિધિ કરી આપવાના નામે રૂપિયા ૭૪,૭૦૦ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને બે લાખ રોકડા પડાવી લઇ છેતરપીંડી કરી હોવાની પોલીસને કબુલાત આપી હતી. પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડા બે લાખ, ૭૪,૭૦૦ના સોના-ચાંદીના ઘરેણા અને ૮ લાખની થાર જીપ, તથા ૩૫ હજારના ત્રણ મોબાઇલો સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
આરોપી કેશવનાથ સામે દયાપર પોલીસ મથકમાં પ્રોહિબીશનના અલગ અલગ ચાર ગુનાઓ નોંધાયા છે. જ્યારે આરોપી બિછાનાથ સામે ભચાઉ પોલીસ મથકમાં છેતરપીંડીનો ગુનો નોંધાયો છે.
કઇ રીતે ગુનાનો ભેદ ઉકેલાયો
ધૂતારા સાધુના વિશ્વાસમાં આવેલા દંપતિ પાસે આરોપીઓએ વધુ બે લાખ રૂપિયાની માગણી કરી હતી. અને આરોપી કેશવનાથએ ફરિયાદીને ફોન કરીને કહ્યું હતું કે, બે લાખ રૂપિયા અમો થરાદ જઇએ ત્યારે મોકલાવજો જેથી ફરિયાદીએ આ અંગે નખત્રાણા પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ફરિયાદી મહિલાને આરોપીઓએ થરાદ ખાતેના આંગડીયામાં રૂપિયા મોકલવાનું કહ્યું હતું. જેથી નખત્રાણા પોલીસે ભચાઉ પોલીસનો સંપર્ક કરીને જાણ કરી હતી. ભચાઉ પોલીસની ટીમ થરાદ પહોંચીને આરોપીઓને દબોચી લીધા હતા. ત્યાર બાદ નખત્રાણા પોલીસ થરાદ જઇને આરોપીઓની અટકાયત કરીને ફરિયાદીનો ગયેલા પૂરેપુરા મુદામાલ રીકવર કરી ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.