માંડવીમાં ઝાડા-ઉલ્ટીના વધુ ચાર કેસ : 64 હજાર લોકોના સર્વેનો બીજો રાઉન્ડ
જીયુડીસીમાંથી હાઈપ્રેસર જેટીંગ મશીન મંગાવાયું
પીવાના પાણીના ૪૧૮ સેમ્પલની તપાસ કરતાં ૪૧૪માં સુપર ક્લોરીનેશન પહોંચતું જણાયું ઃ અન્યની તપાસ ચાલુ
ભુજ: કોલેરાગ્રસ્ત જાહેર કરાયેલા માંડવીની ૬૪ હજારની વસ્તીનો સર્વેનો બીજા રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આરોગ્ય વિભાગની ૨૫ અને પાલિકા પાણી પુરવઠાની ૧૦ ટીમ કામગીરી કરી રહી છે. શહેરના અંદરના સાંકડા વિસ્તારમાં છોટા હાથી, ટ્રેક્ટર જેટીંગ અને વેક્યુમ જેટીંગથી કામગીરી કરાઈ રહી છે. જ્યારે બહારના વિસ્તાર માટે જીયુડીસીમાંથી હાઈપ્રેસર જેટીંગ મશીન મંગાવાયું છે.
માંડવીના ૯ વોર્ડમાં મળી ૧૮ હજાર ઘર ચાલુ છે. ઘરમાં અને બહાર ઝીણા ઝીણા પાણીના લીકેજ દેખાય તો બંધ કરવા ચાર ટીમ રોજ કામગીરી કરી રહી છે. ગટર શાખાની એક ટીમને રાત્રે અને આઠ કલાકના આરામ બાદ દિવસે કામગીરીમાં લગાડાય છે. સેનિટેશનની ૧૩ ટીમ દ્વારા જેસીબી - લોડર સાથે અલગ અલગ વિસ્તારમાં ઝુંબેશ ચાલુ છે.
આરોગ્ય ટીમની ચકાસણીમાં કોઈ ઘરમાં ક્લોરીનવાળું પાણી ન આવતું હોય તો તેની જાણ કરતાં વોર્ડ સુપરવાઈઝર તપાસ કરી ક્લોરીનવાળું પાણી આવે તે સુનિશ્ચિત કરે છે. ક્લોરીન ટેબ્લેટનું પણ વિતરણ કરાય છે. નગરપાલિકા પ્રમુખ હરેશ વિંઝોડાએ કામગીરીનું જાત નિરીક્ષણ કરતા હોવાનું જણાવ્યું હતું. ઈન્ચાર્જ સેનિટેશન ઈન્સ્પેક્ટર મનજી પરમારે વિગતો આપી હતી. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.કેશવરકુમાર સિંઘે આજે ખાનગી હોસ્પિટલોમાં ચાર ઝાડા ઉલટીના દર્દી દાખલ થયા તેમના સેમ્પલ લઈ જી.કે.ની લેબમાં કલ્ચર માટે મોકલાયા હોવાનું જણાવ્યું હતું.
તા. ૨૦થી અત્યાર સુધી ૧૯ સેમ્પલ મોકલાયા તેમાંથી ૧૧ના રિપોર્ટ આવ્યા છે. આજના પાંચ નેગેટીવ છે તો આઠની તપાસ ચાલુ છે. ગઈકાલે ગાંધીધામમાં ઝાડા ઉલટીનો એક કેસ જણાતાં તેના સેમ્પલ પણ મોકલાયા છે. માંડવી તાલુકામાં આરોગ્ય સ્ટાફે બાબતે પૂછતાં પૂરતો હોવાનું જણાવ્યું હતું. તા. ૨૫ જુલાઈ સુધી સર્વે ચાલુ રહેશે. તે દરમિયાન કોઈ પોઝીટીવ કેસનો રિપોર્ટ આવે તો વધુ એક મહિનો સર્વે કરવાનો થાય.
૧૮ કરોડના પાણી યોજના માટેનું ટેન્ડર આજે ખુલવાનું હતું તે બાબતે પ્રમુખને પૂછતાં તેમણે કાલ સુધી વિગતો મળવાની સંભાવના વ્યક્ત કરી હતી.