ભુજ,મસ્કા અને નાની ચરોપડી ગામે હુમલાના ત્રણ બનાવમાં ચાર ઘાયલ
તિક્ષ્ણ હથિયાર, કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરનાર નવ સામે ફરિયાદ
ભુજ: ભુજ શહેર અને માંડવીના મસ્કા તેમજ અબડાસાના નાની ચરોપડી ગામે હુમલાના અલગ અલગ ત્રણ બનાવમાં ત્રણ ચાર જણાઓને ઇજા પહોંચી હતી. જ્યારે પોલીસ મથકે નવ વ્યક્તિઓ સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
ભુજના દાદુપીર રોડ સીતારા ચોકમાં રહેતા ઇમરાન રાણા મેમણે તેમના નાના ભાઇ ઇરફાન સામે ફરિયાદ નોંધાવી છે. ગુરૂવારે ઘરમાં ઇરફાન ઝઘડો કરતો હોવાથી ફરિયાદીએ તેને લાફા માર્યા હતા. જેનું મનદુથખ રાખીને શુક્રવારે વહેલી પરોઢે આરોપી ઇરફાને મોટાભાઇ ઇમરાનને ગળાના ભાગે છરીના ઘા મારી નાસી ગયો હતો. ઇમરાનની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ કરી છે. તો, મોટા આસંબીયા વાડીમાં રહેતા ઇશ્વર ફકીરા પટ્ટણી દેવીપુજક (ઉ.વ.૪૨)એ માંડવી પોલીસ મથકે દિનેશ ફકીરા પટ્ટણી, ગોવિંદ પટ્ટણી, રાહુલ રમેશ પટ્ટણી અને શાંતાબેન સામે ફરિયાદ નોંધાવી છે. શુક્રવારે સાંજે આરોપીઓએ મસ્કા બેલાવાડીની બાજુમાં વાડ કરવા બાબતે આરોપીઓએ ફરિયાદીને ધારિયાથી હાથ પર અને લાકડીથી શરીરના ભાગે તેમજ ફરિયાદીના પુત્ર વિજયને માથાના ભાગે ઉંધી કુહાડી મારી ઇજા પહોંચાડી હતી. માંડવી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ કરી છે. જ્યારે બીજીતરફ અબડાસા તાલુકાના ભારાવાંઢ ખાતે રહેતા અને અલ્ટ્રાટેક કંપની વાયરોમાં કમાન્ડો સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા અબ્દુલ કરીમ ઇસ્માઇલ જત (ઉ.વ.૪૬)એ અબડાસાના મોહાડી ગામના અનવર સાલે જત, આદમ હમદા જત, મુબારક મુસ્તફા જત, શરીફ હમદા જત સામે ગુનો નોંધાવ્યો છે. શુક્રવારે રાત્રીના દસ વાગ્યે નાની ચરોપડી ગામે આરોપીઓએ ફરિયાદીને કહયું હતું કે, તુ મોહાડી ગામમાં કેમ આવ્યો છો કહી લોખંડના પાઇપ અને ધોકાથી માર મારીને ઇજા પહોંચાડી હતી. વાયોર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.