ભુજમાં યુવાનને ઢોર માર મારી ગળે રસ્સા બાંધી કુવામાં ફેંકી હત્યા કરનારા ત્રણ સગીર સહિત ચારની ધરપકડ

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
ભુજમાં યુવાનને ઢોર માર મારી ગળે રસ્સા બાંધી કુવામાં ફેંકી હત્યા કરનારા ત્રણ સગીર સહિત ચારની ધરપકડ 1 - image


મોંઘો મોબાઇલ પડાવી લેવા આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો 

ત્રણ સગીરોને કોર્ટમાં રજુ કરીને રાજકોટ બાળ રિમાન્ડ હોમમાં ધકેલ્યા એક આરોપીને આજે કોર્ટમાં રજુ કરાશે

ભુજ: ભુજના સરપટ નાકા બહાર મહિલા આશ્રમની પાછળ આવેલા બાવડની ઝાડીમાં અવાવરૂ જગ્યાએ પરપ્રાંતિય યુવકને ઢોર માર મારી ગંભીર હાલતમાં ગળે ફાંસો આપીને કુવામાં ફેંકી હત્યા નીપજાવવાના ચકચારી બનાવમાં બી ડિવિઝન પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ આરોપી સહિત ચારની ધરપકડ કરી સ્થળનું પંચ નામુ કર્યા પછી સગીર આરોપીઓને કોર્ટમાં રજુ કરીને રાજકોટ બાળ રિમાન્ડ હોમ ખાતે ધકેલી દીધા છે. જ્યારે અન્ય એક પુક્તવયના આરોપીને ગુરૂવારે કોર્ટમાં રજુ કરવામાં તજવીજ હાથ ધરાઇ છે. 

મુળ દિલ્હી બાજુના અને ભુજ એરફોર્સ સ્ટેશન પાસે રહેતા અને રોયલ રેસ્ટોરન્ટમાં કામ કરતા રાહુલ લખનભાઇ મોચી (ઉ.વ.૨૫) નામના યુવાનની ગત ૧ ઓગસ્ટના સવારે નવ વાગ્યાથી ગુમ થઇ ગયો હતો. યુવકના વાલીઓએ ગુમ નોંધ દાખલ કરતાં બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમા મૃતકના કોલ ડીટેઇલ પરથી એક આરોપીને પોલીસ મથકે બોલાવીને કડક પુછપરછ કરતાં સમગ્ર મામલા બહાર આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરીને ભુજના ગાંધીનગરીમાં રહેતા ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને એક પુક્તવયના નવાબ જાની નોડે (ઉ.વ.૧૯) નામના આરોપી સહિત ચાર યુવકોને ધરપકડ કરી લીધી હતી. આરોપીએ મૃતક રાહુલ લખન મોચી પાસે મોંઘો મોબાઇલ હોઇ તે પડાવી લેવા રાહુલને ફોન કરીને રાહુલને પથ્થરાથી માથાના ભાગે માર મારીને મોબાઇલ છીનવી લીધા બાદ ગળામાં દોરડું બાંધી આરોપીઓએ બન્ને સાઇડથી ખેંચી રાહુલ મૃત્યુ પામતાં આરોપીઓએ અવારૂ કુવામાં રાહુલની લાશને ફેંકી નાસી ગયા હતા. પોલીસે આરોપીઓને સાથે રાખી સ્થળ પર રિકન્ટ્રકશન કર્યું હતું. બાદમાં પકડાયેલા ત્રણ સગીરોને કોર્ટમાં રજુ કરીને કોર્ટના આદેશથી રાજકોટ રિમાન્ડ હોમ ખાતે મોકલી આપ્યા હતા. જ્યારે અન્ય આરોપી નવાબ નોડેને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે. 

મૃતકના મોબાઇલ કોલ ડીટેઇલ પરથી હત્યાનો ભેદ ખુલ્યો 

ગુમ થયેલા રાહુલ લખન મોચીને શોધવા પોલીસ ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં મૃતક રાહુલનો મોબાઇલ ચેક કર્યો હતો. જેમાં એક આરોપીના નંબર મળતાં પોલીસે ચતુરાઇથી એ આરોપીને પોલીસ મથકે બોલાવીને સઘન પુછપરછ કરતાં તે ભાગી પડયો હતો. અને પોપટની જેમ સમગ્ર ઘટના વરણવી પોતે અને તેના મિત્રોએ હત્યાને અંજામ આપ્યાની કબુલાત કરી હતી.

રાહુલને અવારૂ કુવામાં ફેંકી કુવામાં કચરાઓ નાખી દીધા હતા

આરોપીઓએ મોબાઇલની લૂંટ કરીને રાહુલને ઢોર માર માર્યા બાદ ગળામાં રસ્સો બાંધી આરોપીએ બળથી ખેંચીને રાહુલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં રાહુલની લાશને અવારૂ કુવામાં ફેંકી દઇને કુવામાં પ્લાસ્ટીકની કોથડીઓ સહિતના કચરાઓ ફેંકી લાશને ઢાંકી દીધી હતી.



Google NewsGoogle News