વાગડનાં મંદિરોમાં ચોરી કરનાર ગરાસિયા ગેંગનાં 6 શખ્સોનાં પાંચ દિવસના રિમાન્ડ
ઘટનાનું પુનરાવર્તન કરવા સાથે કચ્છની અન્ય ચોરીઓ બાબતે હકિકતો સામે આવે તેવી શક્યતા
પ્રાપ્ત માહિતી અનુસાર વાગડ વિસ્તારમાં ચિત્રોડ અને કાનમેરના અલગ અલગ ૧૮ મંદિરોમાં અઢી લાખની ચોરી થઈ હતી. જે ગુનાનો ભેદ ઉકેલવા પૂર્વ કચ્છ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી. જેમાં તપાસ દરમિયાન પોલીસે મંદિરોમાં ચોરી કરનાર આરોપીઓ મૂળ રાજસ્થાનનાં હોવાનું જણાઈ આવતા પોલીસે ટીમ બનાવી રાજસ્થાનનાં જંગલમાં જઈ પોલીસે પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં રાજસ્થાનનાં ઉદયપુરના કમલેશ અનારામ ગરાસીયા, રમેશ બાબુરામ ગરાસીયા, જીતેન્દ્ર સુનારામ ગરાસીયા, સુરેશ શંકર ઉર્ફે ડાકુ ગરાસીયા, જયરામ ઉર્ફે જેનીયા નોનારામ ગરાસીયાને ઝડપી લેવાયા હતા અને તેમની સાથે ચોરીનો માલ ખરીદનાર ગેંગના સાગરીત એવા અમદાવાદના સોની વેપારી સુરેશ શાંતિલાલ સોનીને પણ પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે મંદિરોમાં ચોરી કરતી ગેંગનાં બે કુખ્યાત શખ્સો અને મુખ્યસૂત્રધાર મેઘલારામ ઉર્ફે મેઘારામ મોતીરામ ગરાસીયા અને રમેશ વાલારામ ગરાસીયા પોલીસને હાથ આવ્યા ન હતા. પૂર્વ કચ્છ દ્વારા ઝડપાયેલા તમામ ૬ શખ્સોને ગત સોમવારે રાપર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.જ્યા રાપર કોર્ટ દ્વારા તમામ ૬ આરોપીઓનાં પાંચ દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા.