પત્રીમાં યુવાનની હત્યા કેસમાં મહિલા સરપંચની માતા સહિત પાંચ આરોપી ચાર દિવસના રિમાન્ડ પર
હત્યા બાદ આરોપીએ ગાયબ કરેલા લોડર શોધવા પોલીસે તપાસ તેજ કરી
ભુજ: મુંદરા તાલુકાના પત્રી ગામે રાજકીય અદાવત અને ખનીજ ચોરી મામલાનુ મનદુથખ રાખી ક્ષત્રિય આગેવાન પૃથ્વીરાજસિંહ જાડેજાની હત્યા નીપજાવવાના ચકચારી બનાવમાં પ્રાગપર પોલીસે પૂર્વ સરપંચ પ્રવિણાબેનના માતા-પિતા અને બે સગા ભાઇ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાગપર પોલીસે આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માગણી સાથે મુંદરા કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે પાંચેયના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
પ્રાગપર પોલીસ મથકે રઘુવીરસિંહ દિલીપસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી કે, મરણજનાર તેમના ભાઇ પૃથ્વીરાજસિંહ કારમાં આવી રહ્યા હતા. ત્યારે પૂર્વ કાવતરૂ રચીને પૂર્વ મહિલા સરપંચ પ્રવિણાબેનના માતા વેજીબેન વાલજીભાઇ ચાડ, પિતા વેલજીભાઇ કરશનભાઇ ચાડ, ભાઇ નંદવીર અને વિઠ્ઠલ સહિતના આરોપીઓએ રાજકીય અદાવત અને ખનીજ ચોરીની ફરિયાદનું મનદુથખ રાખીને ફરિયાદીના ભાઇની કારને લોડર વળે અફેટે લઇ રોડની સાઇડમાં પલ્ટી ખવરાવી ફરિયાદીના ભાઇના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું. આરોપીઓએ બનાવને પ્રથમ અકસ્માતમાં ખપાવી દેવા પ્રયાસો કરાયા હતા. પરંતુ પ્રાગપર પોલીસે મૃતકના ભાઇની ફરિયાદ પરથી પૂર્વ મહિલા સરપંચના માતા-પિતા અને ભાઇઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે પ્રવિણાબેનની ધરપકડ કરાઇ ન હતી. જો કે, તપાસ દરમિયાન તેમના કૌટુંબીક ભાઇ હિરેન પાંચાભાઇ બતાનું નામ સામે આવતાં પોલીસે ઘરપકડ કરીને પાંચેય આરોપીઓને રિમાન્ડની માગણી સાથે કોર્ડમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીઓએ હત્યાના ઉપયોગમાં લીધેલું લોડર ક્યાંક છુપાવી દીધું હોઇ તેને શોધવા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. તો, આ ગુનામાં વધુ આરોપીઓના નામ બહાર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. પ્રાગપરના ઇન્ચાર પીએસઆઇ આર.એન.વાડલે વધુ તપાસ હાથ ધરી છે.