નવજાત શિશુ સ્વસ્થ થયા બાદ પણ ભુજની હોસ્પિટલે ICUમાં રાખી 60 હજાર પડાવ્યા
- માધાપરના પરિવારને ખાનગી હોસ્પિટલનો કડવો અનુભવ
પિતાએ ઝઘડો કરી હોસ્પિટલમાંથી રજા મેળવી ઃ શહેરના અન્ય જુના ખાનગી બાળરોગ નિષ્ણાંતે માત્ર ૩૦૦ રૂપિયામાં તપાસી કહ્યું - બાળક એકદમ સ્વસ્થ છે
- સારવાર - દવાના નામે સરકારનો ખાનગી હોસ્પિટલ પર કોઈ અંકુશ ન હોતા આડેધડ લૂંટ
ભુજ: અમદાવાદની ખ્યાતી હોસ્પિટલના કૌભાંડ બાદ ગુજરાતમાં મેડીકલ વ્યવસાયમાં ચાલતા કૌભાંડના પર્દાફાશ થઈ રહ્યા છે ત્યારે ભુજની એક ખાનગી હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. ચાર દિવસનો નવજાત શિશુ સ્વસ્થ થયો છતાં હોસ્પિટલે બાળકને રજા આપવાને બદલે ચાર દિવસ આઈ.સી.યુ.માં રાખીને ૬૦ હજાર પડાવી લીધા હતા. માધાપરના પરિવારે આપવીતી વર્ણવતા કહ્યું હતુ કે, બાળક સાજો થયા બાદ પણ રજા ન મળતા તબીબ સાથે ઝઘડો કરી રજા લેવાઈ હતી.
ચાર દિવસના નવજાત શિશુના પિતાએ જણાવ્યું હતું કે, ગત પંદર તારીખે તેમનો બાળક વધારે પડતું સ્તનપાન કરી જતાં તબિયત બગડી હતી જેથી તાબડતોબ ભુજની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ અવાયો હતો. જયાં હોસ્પિટલના તબીબે સારવાર આપ્યા બાદ આઈ.સી.યુ.માં દાખલ કર્યો હતો. ત્યારબાદ તેમના બાળકની તબિયત એકદમ નોર્મલ થઈ ગઈ હતી. આમ, છતાં કેટલીક બીક બતાવીને બાળકને સતત ચાર દિવસ સુધી આઈ.સી.યુ.માં દાખલ રાખવામાં આવ્યો હતો. વળી, બાળકને માત્ર દિવસના એક જ મિનિટ જોવા મળતો હતો. તે દરમિયાન, બાળક સ્વસ્થ હોવાનું લાગતા તબીબ પાસે રજાની માંગણી કરવામાં આવી હતી ત્યારે ફરજ પરના તબીબે રજા આપી દેવાથી બાળક માનસિક રીતે અસ્વસ્થ થઈ જશે એવી જુદા જુદા પ્રકારની બીક બતાવી હતી. જો કે, પિતાને પોતાનો બાળક એકદમ સ્વસ્થ હોવાનું લાગતા તેમને તબીબ સાથે ઝઘડો કરીને રજા મેળવી હતી.
આ ચાર દિવસના દવાના રૂપિયા ૪૦ હજાર અને અન્ય ચાર્જ મળીને ચાર દિવસના ૬૦ હજાર ભુજની ખાનગી હોસ્પિટલે નવજાત શિશુના પિતા પાસેથી પડાવી લેવાયા હતા. રજા બાદ પિતા પોતાના બાળકને અન્ય એક જુના બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર પાસે લઈ ગયા હતા જયાં ડોક્ટરે તપાસી બાળક સ્વસ્થ હોવાનું કહ્યું હતું. અને માત્ર ૩૦૦ રૂપિયાનો ચાર્જ વસુલ્યો હતો.
ભૂકંપ બાદ હોટલ રેસ્ટોરેન્ટની માફક ફુટી નીકળેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર નિદાનના નામે કોઈ રોકટોટ ન હોય તેમ મનફાવ તેવા ચાર્જ વસુલ કરવામાં આવે છે. ગરીબ- મધ્યમવર્ગના દર્દીઓના પરિવારજનો લૂંટાઈ રહ્યા છે. ત્યારે, સરકારે આવી ખાનગી હોસ્પિટલ ની ફી ઉપર અને દવાના નામે વસુલાતા આડેધડ ખર્ચ સામે અંકુશ મુકવો જોઈએ.