કચ્છના ૧૧૦૦ મતદાન મથકો ઉપર યોજાશે ૪૮૭ ગ્રા.પં.ની ચૂંટણી
- ચૂંટણીની જાહેરાત થતા જ ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં ગરમાવો
- અંદાજે ૮ લાખ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગઃ ૨૨૦૦થી વધુ મતપેટીઓ વપરાશેઃ તડામાર તૈયારીઓ શરૃ
ભુજ,સોમવાર
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ૪ ડિસેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ૭ ડિસેમ્બર ફોર્મ પરત લેવાની તારીખ છે. ૧૯ ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે અને ૨૧ ડિસેમ્બરે મત ગણતરી કરાશે. આમ રાજયમાં ૧૦,૧૧૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે ત્યારે કચ્છ જિલ્લાની ૪૮૭ પંચાયતોની ચૂંટણી યોજાશે. ૧૧૦૦ જેટલા મતદાન માથકોએ ૮ લાખથી વધુ મતદારો મતદાન કરશે. કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ૨૨૦૦ થી વધુ મત પેટીઓ વપરાશે.
આજે સાંજે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરાતા જ ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. તો ચૂંટણી પંચ દ્વારા પણ ચૂંટણી લક્ષી કામગીરી હાથ પર લેવાઈ હતી. ત્યારે, કચ્છ જિલ્લામાં ૪૭૯ ગ્રામ પંચાયતોની સામાન્ય જયારે ૮ પેટા ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતની પાંચ વર્ષની મુદત આગામી ૩૧-૩-૨૦૨૨ના રોજ પૂર્ણ થતી હોય તેવી પંચાયતોની ચૂંટણી યોજાશે.
કચ્છમાં યોજાનાર ગ્રામ પંચાયતી ચૂંટણી અંતર્ગત ભુજ તાલુકામાં ૮૧, અબડાસા-૮૦, નખત્રાણા-૬૭, માંડવી-૬૦, રાપર- ૫૩ પંચાયતની સામાન્ય અને ૬ પંચાયતની પેટા, ભચાઉ તાલુકામાં ૫૦, અંજાર તાલુકામાં ૩૩, લખપત તાલુકામાં ૨૭ પંચાયતોની સામાન્ય અને ૨ પેટા, મુંદરાની ૨૧ અને ગાંધીધામ તાલુકાની ૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. આમ, ૪૭૯ ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત ૧૧૦૦ જેટલા મતદાન માથકો ઉભા કરાશે. ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત સરપંચ અને સભ્યોને અલગ અલગ મત આપવાના હોવાથી ૨૨૦૦ જેટલી મત પેટીઓનો ઉપયોગ કરાશે. આ ચૂંટણીમાં આઠેક લાખ મતદારો પોતાના મતાિધકારનો ઉપયોગ કરશે. મતદાર યાદી સુાધારણા ઝુંબેશ ચાલુ હોવાથી મતદારોની સંખ્યામાં ફેરફાર થશે.