ડિજિટલ ઈન્ડિયાની વાતોઃ કચ્છમાં આધારકાર્ડ અપડેટ કરાવવું શિરદર્દ
મુળભુત સુવિધા સરળતાથી પુરી પાડવામાં તંત્ર નિષ્ફળ
જિલ્લામાં રેશનકાર્ડમાં E-KYC, આધારકાર્ડ અપડેટ કરાવવા જતાં નાગરિકોના કલાકો કતારમાં વિતે છે
કાર્ડધારકો માટે રાશન કાર્ડ સાથે આધાર લીંકની ઈ-કેવાયસી કરવાની ગત સપ્ટેમ્બરથી ચાલુ થયેલી કામગીરી કચ્છ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરો મારફત થઈ શકે છે. આ ઉપરાંત જિલ્લાની સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને પણ આ કામગીરી કરી આપવા જિલ્લાના પુરવઠા વિભાગે સુચના આપી છે. તેમજ શિક્ષિત અને જાણકાર નાગરિકો 'માય રાશન' નામની એપ્લીકેશન ડાઉનલોડ કરીને આધારકાર્ડ અને રાશનકાર્ડને લીંક કરીને ઈકેવાયસી જાતે કરી શકે છે. ભુજ ઉપરાંત તાલુકા મથકોએ આ કામગીરી થાય છે જયાં પણ અરજદારો સવારથી કતારો લગાવે છે.ઘણી વખત સર્વરના ધાંધીયાના કારણે આવી કામગીરીમાં કલાકો લાગી જાય છે. કચેરીના ઓપરેટરો તેમજ જવાબદારો જણાવી રહ્યા છે કે, અમે લોકોની હાલાકી નિવારવા કચેરીની સમય મર્યાદા હોવા છતાં વધુમાં વધુ લોકોને ધક્કો ન થાય તે માટે તેના કામ કરી આપીએ છીએ. જેથી, કામગીરી વહેલી પુરી થાય.
ડીજીટલ ઈન્ડિયાની વાતો વચ્ચે જિલ્લા મથક ભુજ સહિત જિલ્લાભરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવું શિરદર્દ સમાન બન્યું છે. આધાર કેન્દ્રો ઉપર વેબસાઈટમાં ખામી સર્જાતી હોવાથી ઓનલાઈન એપોઈમેન્ટ મળતી નથી. આધાર કેન્દ્ર પર લાંબી લાઈનોથી અરજદારો ભારે હેરાન પરેશાન થાય છે છતાં તંત્ર બેખબર બન્યું છે. આધારકાર્ડ ભારતમાં ઓળખનો જરૂરી મુખ્ય દસ્તાવેજ બની ગયું છે. આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે નાગરિકોને આધાર યુઆઈડીઆઈની વેબસાઈટ પર જઈને ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી પડે છે. આ એપોઈટમેન્ટના આધારે જ નાગરિકો આધાર કેન્દ્રો પર જઈને પોતાના આધાર કેન્દ્રો પર જઈને પોતાના આધાર કાર્ડમાં ફેરફાર કરાવી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવવામાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આધાર માટેની વેબસાઈટમાં સતત તકનીકી ખામી સર્જાતા ઓનલાઈન એપોઈમેન્ટ મેળવવી લગભગ અશક્ય બની ગઈ છે.
આ સમસ્યાના કારણે નાગરિકોને આધાર કેન્દ્રો પર લાંબી કતારોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. આ સમસ્યાના કારણે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યા કચ્છની સાથોસાથ ગુજરાતભરમાં સર્જાઈ છે. ડિજિટલ ઈન્ડિયાનું સપનું દેખાડતી સરકાર આવી મુળભુત સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે, આ સમસ્યાનું તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવે અને ઓનલાઈન સુવિધા સરળતાથી ઉપલબ્ધ બનાવવામાં આવે.
કચ્છમાં ૨.૪૯ લાખ રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી પૂર્ણ, ૪૨.૪૮ % કામગીરી થઈ
કચ્છ જિલ્લામાં ૨.૪૯ લાખ રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પૂર્ણ કરાવતા જિલ્લામાં ૪૨.૪૮ ટકા કામગીરી પૂર્ણ થઈ છે.પુરવઠા શાખામાંથી મળેલી માહિતી અનુસાર, જિલ્લામાં કુલ ૫,૮૩,૦૪૧ રાશનકાર્ડ ધારકો છે. રાશનકાર્ડમાં નોંધાયેલા કુલ ૨૪,૫૨,૦૯૧ સભ્યોના ઈ-કેવાયસીનો તાર્ગેટ છે. જેમાં, અત્યાર સુધીમાં ૨,૪૯,૭૪૯ સભ્યોના ઈ-કેવાયસી પૂર્ણ થતા ૪૨.૮૪ ટકા કામગીરી થઈ છે. લખપત તાલુકામાં સૌથી ઈ-કેવાયસી થયા છે જયારે ગાંધીધામ તાલુકો આ કામગીરીમાં પાછળ છે.