Get The App

કચ્છમાં ગત વર્ષે 77 સામે ચાલુ વર્ષે ડેન્ગ્યુના ત્રણ ગણા 217 કેસ

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
કચ્છમાં ગત વર્ષે 77 સામે ચાલુ વર્ષે ડેન્ગ્યુના ત્રણ ગણા 217 કેસ 1 - image


ચોખ્ખા પાણીમાં થતા અને દિવસે કરડતા મચ્છરોનો ઉપદ્રવ્ય

રોગચાળો નાથવા તંત્રના કડક આદેશ

ખાનગી દવાખાનાઓમાં લાગતી કતારો :  ભુજ બાદ નખત્રાણામાં જિલ્લા મેલેરિયા આધિકારીએ બેઠક યોજી

ભુજ: કચ્છમાં ડેન્ગ્યુના કેસ ગત વર્ષની તુલનાએ ત્રણ ગણા જેટલા વધુ સરકારી દવાખાનાઓમાં નોંધાતાં ચોકી ઉઠેલા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 'એપેડેમિક' થશે તો તેવા ભયના ઓથાર હેઠળ કર્મચારીઓની બેઠકોના દોર યોજી કડક આદેશ અપાઈ રહ્યા છે.

વરસાદી પાણીના ભરાવા સાથે મચ્છરોની ઉત્પતિ શરૂ થઈ ગઈ હતી. તેમાં ઉભરાતી ગટરો અને ગંદકીના કારણે મચ્છરો દ્વારા સાદો અને ઝેરી મેલેરીયા ફેલાવતો રહ્યો છે. પણ હવે ચોખ્ખા પાણીમાં થતા અને દિવસે કરડતા એડીસ ઈજીપ્તી મચ્છરોનો ઉપદ્રવ વધતાં ડેન્ગ્યુનો ફેલાવો વધવા લાગ્યો છે.

ખાનગી દવાખાનાઓમાં તાવના દર્દીઓની કતારો લાગે છે. પણ તેની બીમારીની વિગતો આરોગ્ય વિભાગને આપવાની હોયે  છે તે મોટેભાગે અપાતી ન હોવાથી વાસ્તવિક ચિત્ર સામે આવતું નથી. જો કે સરકારી મોટાથી નાના તમામ દવાખાનાઓની  ક્યા પ્રકારનીબીમારીના દર્દીઓ કેટલા આવ્યા તે વિગતો જિલ્લા આરોગ્ય તંત્ર સુધી પહોંચતી હોય છે.

જિલ્લામાં ગત વર્ષે ૭૭ ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા તેની સામે વર્ષ ૨૦૨૪માં આંક ત્રણ ગણા જેટલો ઉંચકાઈને ૨૧૭ થઈ જતાં ચોંકી ઉઠેલા તંત્ર દ્વારા ડેન્ગ્યુ નાથવા માટે મેલેરીયા વિભાગના કર્મચારીઓને દવા છંટકાવ,પોરાનાશક કામગીરી, લોકોમાં મચ્છરો સામે જાગૃતિ લાવવાના પ્રયાસો વેગવાન બનાવવા તાકીદ કરાઈ રહી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગુગલ પર મુકાયેલા અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વની લગભગ અડધી વસ્તી હવે ડેન્ગ્યુના જોખમમાં છે. દર વર્ષે આંદાજે ૧૦૦ થી ૪૦૦ મિલીયન ચેપ થાય છે. ડેન્ગ્યુ માટે કોઈ ચોક્કસ સારવાર નથી.

ગંભીર કેસમાં હેમરેજીક થાય તો ચામડી નીચે કાળા ચકામા પડે દવાખાનામાં સારવાર લેવાથી બચી શકાય છે કેટલાંક ગંભીર કેસમાં મૃત્યુ પણ થઈ શકે છે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફુલમાલી એ જણાવી ઉમેર્યું કે ચોખ્ખા પાણીમાં ઈંડા મુકીને ફ્લેવી વાયરસને લઈને લોકોને દિવસે કરડીનેડેન્ગ્યુ ફેલાવે છે. 

કચ્છમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ  શહેરી વિસ્તારમાં ૧૯ છે. તેમાંથી ભુજમાં દશ છે. જિલ્લા મેલેરિયા અધિકારી ડો. કેશવકુમાર સિંધે ગુરુવારે ભુજ ખાતે અને શુક્રવારે નખત્રાણામાં આરોગ્ય કર્મચારીઓની બેઠક યોજી ડેન્ગ્યુ સામે નબળી કામગીરી થશે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.

અપૂરતુ પાણી વિતરણ પણ ડેન્ગ્યુ તાવના ફેલાવાનું નિમિત્ત

કચ્છમાં શહેરી હોય કે ગ્રામ્ય વિસ્તાર પાણી રોજેરોજ વિતરણન થતું હોવાથી લોકો તેમની જરૂરત મુજબના પાણીનો સંગ્રહ કરે છે. આ સંગ્રહિત પાણી રોજિંદા વપરાશ માટે હોવાથી તેમાં નથી પોરાનાશક દવા નાખી શકાતી કે નથી લોકો ચુસ્ત ઢાંકણથી બંધ કરતા. જેથી એડીસ ઈજિપ્તી મચ્છરને ખુલ્લા પાત્રમાં ઈંડા મુકવા મોકળું મેદાન મળી રહે છે. 

ઘરના ફ્રીઝની ટ્રે, પક્ષી કુંજ, પાણી ભરી રખાયેલી બાલદીમાંથી મુખ્યત્વે મચ્છર ઉત્પતિના કરતા પોરા તપાસમાં દેખાય છે.

પાણી પુરવઠો પુરો પાડવો એ આરોગ્ય તંત્રનું કામ નથી બીજી તંત્રના કારણે મચ્છર થાય છે. પણ તેના લીધે તકલીફ ભોગવવી આરોગ્ય તંત્રને પડે છે.


Google NewsGoogle News