ગાંધીધામમાં લટકતા જોખમી હોર્ડિંગથી લોકોને જીવનો જોખમ
નિયમ વિરુદ્ધ છતાં માર્ગ અને મકાન વિભાગ કે પાલિકાએ કોઈ પગલાં ન ભર્યા
ગાંધીધામ: ગાંધીધામને ધંધાદારીનો હબ બનાવવા માટે ખોટી રીતે અને આડેધડ બેનરો અને હોર્ડીંગ લગાવી મૂકવામાં આવ્યા છે. પાલિકા કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ હોર્ડીંગ નિયમ વિરુદ્ધ હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી હવે સમગ્ર ગાંધીધામ હોર્ડીંગની જાળમાં ફસાઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે ભારે પવન ફૂંકાતા ગાંધીધામમાં લટકતા મહાકાય હોર્ડીંગ દેખાઈ રહ્યા છે. જેના કારણે લોકોને જીવનો જોખમ હોય તેવી સ્થિતિ હોવા છતાં પણ તેને હજુ સુધી હટાવવામાં આવ્યા નથી.
કોઈપણ જગ્યાએ હોર્ડીંગ લગાવવાના હોય ત્યાં જો શહેરી વિસ્તારમાં હોય તો પાલિકા અને માર્ગ પર હોય તો માર્ગ અને મકાન વિભાગની મંજૂરી મેળવવાની થતી હોય છે. પરંતુ ગાંધીધામમાં ખાસ કરીને ટાગોર રોડ અને રોટરી સર્કલથી એરપોર્ટ જતાં માર્ગ પર આડેધડ જ્યાં મજા આવે ત્યાં મોટા હોર્ડીંગ ઠોકી બેસાડવામાં આવ્યા છે. તેવી જ રીતે શહેરમાં જ્યાં જગ્યા મળે ત્યાં હોર્ડીંગ ગોઠવી દેવામાં આવ્યા છે. આ હોર્ડીંગ ભાડે આપતા કોન્ટ્રાક્ટર પાલિકા અને માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ સાથે મોટી ઓળખાણ ધરાવતા હોવાથી ગેરકાયદેસર હોવા છતાં બંને વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે ભારે પવન ફૂંકાય તે સમયે લોકોના જીવ પર જોખમ ઊભું થાય તે રીતે બેનરો તૂટી પડતાં હોય છે જેને પણ હટાવવામાં આવતા નથી. ત્યારે હવે લોકોના જીવના જોખમે પોતાના ખિસ્સા ભરતા માર્ગ અને મકાન વિભાગ અને પાલિકાના કર્મચારીઓ તાત્કાલિક આ બેનર અને હોર્ડીંગના કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરે અને ગેરકાયદેસર ઠોકી બેસાડેલા હોર્ડીંગ હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.