ગાંધીધામમાં વ્યાજખોરીને ડામવા પોલીસનો લોકસંવાદ, રજૂઆત બાદ ફરિયાદો નોંધાશે

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
ગાંધીધામમાં વ્યાજખોરીને ડામવા પોલીસનો લોકસંવાદ, રજૂઆત બાદ ફરિયાદો નોંધાશે 1 - image


એક તરફ વ્યાજખોર સામે ફરિયાદ બીજી તરફ લોન આપવા કાવાયત 

પોલોસે જરૂરતમંદ લોકોને લોન મેળવી આપવા ખાતરી આપી, ૮૦ લોકોએ પૂછપરછ કરી 

ગાંધીધામ: પૂર્વ કચ્છ જિલ્લા પોલીસતંત્રના ઉપલક્ષમાં ગાંધીધામ ખાતે વ્યાજખોરીને ડામવાના ઉદેશ્યથી લોકસંવાદ કાર્યક્રમ ગાંધીધામ મધ્યે યોજવામા આવ્યો હતો. જેમાં ઉપસ્થિત સૌને અપીલ અને અનુરોધ કર્યો હતો કે, વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ વિભાગ સતર્ક છે. ભોગ ગ્રસ્તો જરા સહેજ પણ ડરે નહી, આગળ આવે, ફરીયાદ કરે, તથ્ય જણાશે તો વિના વિલંબે કડક કાર્યવાહી કરવામા આવશે. 

આ અંગે પૂર્વ કચ્છના પોલીસવડા સાગર બાગમારે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે,  પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોની બદી નાબુદી કરવા માટે તેમજ જરૂરીયાત મંદોને લોન પુરી પાડવા માટે તા. ૨૬મીના રોજ સવારે ૧૨ કલાકે દીનદયાલ હોલ, ગુરૂકુળ ખાતે લોકસંવાદનો કાર્યક્રમ યોજયો છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આયોજીત લોકસંવાદના કાર્યક્રમમાં બે મુખ્ય ઉદેશ છે. એક તો જે લોકો વ્યાજખોરીનો ભોગબનેલા છે અને જે લોકો તેની પીડામાં રહેતા હોય તેઓ પોતાની રજુઆત રાખે અને તેની સાથોસાથ ઘણા બધા એવા લોકો હોય જેઓને પૈસાની જરૂરીયાત રહેતી હોય અને કયાંક ને ક્યાંક લોન મેળવવામા કે સહાય મેળવામાં તકલીફ રહેતી હોય તેઓને એક પ્લેટફોર્મ આપવા માટે આ આયોજન કરવામા આવ્યુ છે. આ રીતનો લોકસંવાદ બીજી વખત યોજાય છે. જાન્યુઆરી ૨૦૨૩મા પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો તે વખતે જિલ્લા પોલીસની મહેનતથી અલગ અલગ રીતે ફરીયાદો દાખલ કરવામા આવી હતી અને આખાય જિલ્લામાં જેટલા પણ બેનીફીસરી હતા, જેમને લોનની જરૂરીયાત હતી તેમના માટે બેંકોની મદદ લઈ અને દોઢ કરોડ જેટલી લોન પણ અપાવવામા આવી હતી.આ કાર્યક્રમમાં જ જે લોકોને રકમની જરૂરીયાત હોય તેઓ બેંકનો સંપર્ક કરી શકે. બધાયને ખબર છે કે લોન આપવામાં આવે તો તેના નિયમો અને ધારધારણો હોય છે. એ પુરા થતા હોય તો બેંકને લોન આપવામાં વાંધો રહેતો નથી. બેકના પ્રતિનીધીઓ તરફથી યોજનાઓ બાબતે જે જાણકારી આપવામાં આવી, તે બાબતે લોકોને જાગૃતી મળી હશે અને જરૂરીયાત મંદો પોતે અહી રજીસટ્રેશન કરાવી શકે છે અને પોલીસ પાસે પણ વિગતો રજીસ્ટ્રર કરાવી શકાય છે.

જિલ્લા પોલીસ દ્વારા બે હેલ્પલાઈન શરૂ કરાઈ છે જેમાં કન્ટ્રોલ રૂમના નંબર ૧૦૦ અને અન્ય એક મોબાઈલ નંબર પણ જાહેર કરાયા છે. તેમાં ૮૦થી વધુ જેટલી પુછપરછ અત્યાર સુધી થઇ ચુકી છે. પોલીસ તરફથી આ એક પ્રયાસ છે. આ કાર્યક્રમ દરમિયાન અંજારથી આવેલા અરજદારે વ્યાજખોરીમાં માફિયા બની ચૂકેલી રિયા ગોસ્વામી અને અન્ય વ્યાજખોર વિરુદ્ધ જાહેરમાં પોલીસવડા સમક્ષ ફરિયાદ કરી હતી. જેમાં સત્યતા તપાસી તાત્કાલિક ફરિયાદ લેવામાં આવશે તેવી વાત પણ એસ. પી. દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ સ્ટાફ ઉપરાંત તમામ બેંકના પ્રતિનિધિ, ભચાઉ, રાપર, ગાંધીધામ અને અંજારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 



Google NewsGoogle News