લાખાપરમાં ખેડૂતોએ ઝડપેલી નીમકોટેડ યુરિયાની 80 ગુણી બાબતે નોંધાઈ ફરિયાદ
ગઢશીશા સહકારી સંઘના સંચાલકે જ કંપનીમાં મોકલવા ખાતર મોકલ્યો હતો
ગાંધીધામ: અંજાર તાલુકાના લાખાપર ગામે ગત ૧૪ ઓક્ટોબરે સબસીડાઈઝ નીમકોટેડ યુરિયાની ૮૦ ગુણી ભરીને જતી બોલેરો જીપ અટકાવ્યાના બનાવમાં ખેતીવાડી વિભાગે હવે જીપના ચાલક અને જીપના માલિક વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. ખેતીવાડી અધિકારીએ જૂનાગઢની લેબમાં મોકલેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ આધાર પુરાવા વગરનું સબસીડાઈઝ યુરિયા ખેતીના બદલે અન્ય હેતુથી લઈ જતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
અંજારના ખેતી અધિકારી ચંદુલાલ માળીએ ફરિયાદ નોંધાવી હતી કે, ભચાઉના ભવાનીપુરના જીપ માલિક ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કરે ભચાઉના પ્રકાશ પટેલ નામના શખ્સે આપેલી વર્ધી મુજબ, યુરિયાનો જથ્થો ગુણાતીતપુરના જાડેજા ફાર્મથી ભરાવ્યો હતો. ભીમાસર જઈને ચાલકે જીપ માલિકને ફોન કરવાનો હતો. પરંતુ, ગાડીને અધવચ્ચે ખેડૂતોએ જ પકડી પાડી હતી. પોલીસે તે સમયે ભચાઉમાંથી ચંદ્રેશના ઘરેથી વધુ ૨૭ યુરિયાની ગુણી જપ્ત કરી હતી. પોલીસની તપાસમાં પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું કે માંડવી તાલુકાના ગઢશીશા સહકારી સંઘના નીકુંજ ઓઝાએ આ ગુણીઓ પાર્ટનર પ્રકાશ પટેલને સપ્લાય કરી હતી. માલ ભીમાસરની કોઈ પ્લાય કંપનીમાં ઠાલવવાનો હતો. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.