Get The App

તમે ગુજરાત સરકારના પ્રતિનિધિ, અદાણીની વકીલાત ના કરશો..', ગોચર જમીન મામલે હાઈકોર્ટની ટકોર

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
gujarat high court


Return the Gauchar Land to the Village: કચ્છના મુંદ્રા તાલુકાના નવી નાળ ગામની ગોચરની કિંમતી જમીન ગુજરાત સરકાર દ્વારા અદાણી જૂથને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ- એસઈઝેડ) આપતા વિવાદ થયો હતો. આ મુદ્દે વિવાદ થતાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થઈ હતી. આ અરજીની સુનાવણીમાં સુનાવણીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકાર અને કચ્છ કલેકટરના નિર્ણયને લઈ ભારે આશ્ચર્ય વ્યકત કરીને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે, ‘તમે ગામની ગોચરની જમીન કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો..? ગોચરની જમીન આપો તો પણ સામે વૈકલ્પિક ગોચરની જમીન ઉપલબ્ધ કરાવવી જોઇએ.’ હાઇકોર્ટે સરકારને એટલે સુધી ગંભીર ટકોર કરી હતી કે, ‘તમે ગુજરાત સરકારના પ્રતિનિધિ છો, તમે અદાણીની વકીલાત ના કરો. તમારે તમારી (સરકારની) નીતિનું પાલન કરવું જોઈએ અને જો ભૂલ થઈ હોય તો સુધારવી જોઇએ.’

રાજ્ય સરકાર દ્વારા ગામથી છથી સાત કિમી દૂર ગોચરની જમીન આપી 

હાઇકોર્ટે રાજ્ય સરકાર અને કચ્છ કલેકટરની ભારે ટીકા કરતાં જણાવ્યું હતું કે, ‘સરકારનો આ નિર્ણય કોઇપણ રીતે યોગ્ય કે વાજબી જણાતો નથી. કલેકટર દ્વારા જે કંઇ પણ કરવામાં આવ્યું છે, તે ગેરકાયદે છે. રજય સરકાર તરફથી ગામથી છથી સાત કિલોમીટર દૂર ગોચરની જમીન આપવાની વાત રજૂ કરતાં હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી સરકારને ખખડાવી હતી કે, શું ચરવાહા અને પશુઓ છથી સાત કિલોમીટર ચાલીને ત્યાં જશે? કચ્છ જેવા વિસ્તારમાં તમે કેવી રીતે આ પ્રકારનો નિર્ણય લઈ શકો? ગામની ગોચરની જમીન તમે અન્ય હેતુ માટે આપી જ કેવી રીતે શકો? તમારે આ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં ગંભીરતાપૂર્વક વિચારવું જોઇતુ હતું.’

વિવાદિત નિર્ણયને લઈને હાઈકોર્ટે નારાજગી વ્યકત કરી

હાઈકોર્ટે સરકાર અને કચ્છ કલેકટરના વિવાદિત નિર્ણયને લઈ ગંભીર નારાજગી વ્યકત કરી નવી નાળ ગામની 107 હેકટર ગોચરની જગ્યા પુનઃ યથાવત્ સ્થિતિમાં લાવી દેવા એડિશનલ એડવોકેટ જનરલને સૂચન અને ટકોર કરી હતી. એટલું જ નહી, હાઈકોર્ટે સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાંને પણ સ્વીકારવાનો સાફ ઈનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, અમારે તમારે એશ્યોરન્સ (ખાતરી)ની વાત કરવાના બદલે એકશન (પગલાં) લેવી જોઈએ છે.

કચ્છ જિલ્લા કલેકટરે જે બચાવ રજૂ કર્યો હતો, તેને હાઈકોર્ટે ફગાવ્યો

કચ્છ જિલ્લા કલેકટરે ગામમાં ગોચરની જમીન માટે અન્ય જમીન નહી હોવાથી ફાળવી શકાય તેમ નહી હોવાનો સોંગદનામાંમાં જે બચાવ રજૂ કર્યો હતો, તેને હાઈકોર્ટે ફગાવતા જણાવ્યું હતું કે, ‘તમે આવું કહી ના શકો કે, તમારી પાસે ગોચરની જમીન ફાળવવા માટે અન્ય જમીન નથી, જયારે પણ તમે ગોચરની જમીન કોઈને અન્ય હેતુ માટે આપો છો ત્યારે તમારે સૌપ્રથમ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, ગોચર માટે વૈકલ્પિક જમીન ઉપલબ્ધ છે કે નહી. આ અંગેની વ્યવસ્થા કર્યા બાદ જ તમારે કોઈ નિર્ણય કરવો જોઈએ.

હાઈકોર્ટે બે સપ્તાહની મુદત આપી

આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી આ સમગ્ર મામલે બે સપ્તાહનો સમય  માંગવામાં આવતાં હાઈકોર્ટે બે સપ્તાહની મુદત આપી હતી અને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અને કચ્છ કલેકટરને અલગ-અલગ સોંગદનામાં રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.

તમે ગુજરાત સરકારના પ્રતિનિધિ, અદાણીની વકીલાત ના કરશો..', ગોચર જમીન મામલે હાઈકોર્ટની ટકોર 2 - image


Google NewsGoogle News