ગાંધીધામમાં છેડતી બાબતે બે જુથ વચ્ચે ધીંગાણું : 12 ઘાયલ
સામસામે ધારિયુ, લોખંડનો પાઇપ, ટામી અને છરી વડે હુમલો કરતા બે પક્ષનાં બે મહિલા સહીત કુલ ૧૧ ઘાયલ
ગાંધીધામ: ગાંધીધામનાં ખોડિયારનગરમાં રહેતા બે જુથ વચ્ચે ભત્રીજીની છેડતી અને રૂપિયા બાબતે ઘાતકી હથિયારો વડે ધીંગાડું ખેલાયો હતો. જેમાં એક જુથ્થનાં ૧૦ શખ્સોએ યુવાનના ઘર પર જઈ હુમલો કરી નાખ્યો હતો. જેમાં બે મહિલા સહીત કુલ ૮ શખ્સો ઘાયલ થયા હતા. તો બીજી બાજુ પ્રત્યુત્તરમાં યુવકનાં પરિવારનાં ૧૦ સભ્યો દ્વારા લોખંડનો પાઇપ અને ટામી વડે હુમલો કરતા ૧ મહિલા સહીત ૪ લોકો ઘાયલ થયા હતા. પોલીસે બે જુથ્થની સામ સામે ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
ગાંધીધામનાં ખોડિયારનગરમાં રહેતા સુનિલ કિશન દેવીપૂજકે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદીની ભત્રીજીને આરોપી તુલસી કરમશીએ ગાળો આપી તેની સાથે બોલાચાલી કરી હતી. જે બાબતે ફરિયાદી આરોપી તુલસીને ઠપકો આપવા જતા તુલસી સાથે કિશન કરમશી, મનોજ કરમશીભાઈ, પ્રવિણ કરમશીભાઈ, રવી કરમશીભાઈ, નરશીભાઈ કરમશીભાઈ, નટુભાઈ તરશીભાઈ, વિજય નટુભાઈ, જયેશ નટુભાઈ, ધર્મેશભાઈ નટુભાઈ (રહે. તમામ ખોડિયારનગર ગાંધીધામ) એક સંપ કરી ફરિયાદી અને તેમના પરિવાર પર ધારિયા અને ટામી વડે હુમલો કર્યો હતો. જેમાં આરોપી કિશને ફરિયાદી અને તેમના ભાઈ ભાવેશ અને પ્રવિણને ધારિયું મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ આરોપી મનોજે ફરિયાદીનાં ભાઈ પ્રવિણ, અશોક તેમજ ભત્રીજો અરવિંદ અને આલીદને ટામી મારી ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચાડી હતી.તેમજ ઝગડામાં વચ્ચે પડી છોડાવવા જતા હીરાબેન અને પૂજાબેનને પણ મારમારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદીએ ગેરકાયદેસર મંડળી રચી તેમના પરિવાર પર હુમલો કરી ઈજાઓ પહોંચાડનાર ૧૦ શખ્સો વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.તો બીજી બાજુ ગાંધીધામનાં ખોડિયાર નગરમાં જ રહેતા રવિ કરમશી દેવીપૂજકે ક્રોસ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, આરોપી અનિલ દેવીપૂજકે ફરિયાદીનાં ભાઈ તુલસી પાસે ધંધો કરવા રૂપિયાની માંગણી કરી હતી. જેમાં ફરિયાદીનાં ભાઈએ રૂપિયા ન આપતાં એ બાબતનું મનદુઃખ રાખી આરોપી અનિલ સાથે સુનિલ દેવીપૂજક, અશોક દેવીપૂજક, અરવિંદ દેવીપૂજક, ભાવેશ કિશનભાઈ, પ્રવિણ કિશનભાઈ, આલિક દેવીપૂજક, રામુ દેવીપૂજક, સની લાલજીભાઈ દેવીપૂજક અને કિશન સવજી દેવીપૂજક (રહે. તમામ ખોડિયારનગર ગાંધીધામ) એક સંપ કરી ફરિયાદીનાં પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં આરોપી સુનિલે ફરિયાદીને માથાના ભાગે અને પગમાં લોખંડનો પાઇપ મારી ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચાડી હતી. અને આરોપી રામુએ ફરિયાદીનાં ભાઈ તુલસીને લોખંડનો પાઇપ અને ટામી મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ આરોપી પ્રવિણે નટુભાઈને હાથમાં છરી મારી ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદીએ આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.