Get The App

અબડાસાના સીઆરસીને બેભાન કરી સોનાની ચેઇન ચોરી લેવાના કેસમાં બોટાદનો વેપારી પકડાયો

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
અબડાસાના સીઆરસીને બેભાન કરી સોનાની ચેઇન ચોરી લેવાના કેસમાં બોટાદનો વેપારી પકડાયો 1 - image


ગત જુલાઇ માસમાં અમદાવાદથી ટ્રાવેલ્સમાં ભુજ આવતી વેળાએ બન્યો હતો બનાવ

રાજકોટથી પકડાયા બાદ ભુજ બી ડિવિઝનને કબ્જો લઇ કોર્ટમાં રજુ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા

ભુજ: મુળ અમદાવાદના અને અબડાસા તાલુકામાં સીઆરસી તરીકે ફરજ બજાવતા યુવક સાથે ટ્રાવેલ્સ બસમાં પાસે બેઠેલા શખ્સે બિસ્કીટ ખવડાવી બેભાન અવસ્થામાં ગળામાંથી રૂપિયા ૧.૬૫ લાખની ચેઇન ચોરી જવાના કેસમાં રાજકોટ ટીસીબી પોલીસે ખેડા જિલ્લાના ઠાસરાના ડાકોર ગામના કાપડના વેપારી મહેન્દ્રસિંહ હરૂભા ઉર્ફે હરીસિંહ ચુડાસમાને ઝડપી પાડયા બાદ ભુજ બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીને ૬ દિવસના રિમાન્ડ માટે ભુજ કોર્ટમાં રજુ કરતાં કોર્ટે ૧૯ ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. 

કેસની હકિકત મુજબ મુળ નરોડા અમદાવાદના હાલ અબડાસા તાલુકાના સાંધવ ગામના પ્રાથમિક શાળામાં સીઆરસી તરીકે ફરજ બજાવતા હાદકગીરી કિશોરગીરી ગોસ્વામી ગત ૪ જુલાઇ ૨૦૨૪ના રોજ અમદાવાદથી ભુજ ટ્રાવેલ્સમાં આવી રહ્યા હતા. ત્યારે અમદાવદથી એક અજાણ્યો શખ્સ બસમાં પાસે બેઠો હતો. અને એક ડબ્બો કાઢી તેમાંથી એક બિસ્કીટ ફરિયાદીને ખાવા માટે આપ્યું હતું. બિસ્કીટ ખાધા બાદ ફરિયાદી સુઇ ગયા હતા. બીજા દિવસે સવારે ભુજ આરટીઓ સર્કલ પાસે બસના કંડકટરે ફરિયાદીને જગાડયા ત્યારે ગળામાં પહેરેલી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૧,૬૫,૨૦૦ની જોવા મળી ન હતી. આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન રાજકોટ શહેર ટીસીબી પોલીસે મુળ બોટાદ જિલ્લાના હાલ ખેડા જિલ્લાના હાલ ડાકોર ગામે બંસી એપાર્ટમેન્ટમાં રહેતા મહેન્દ્રસિંહ હરૂભા ઉર્ફે હરીસિંહ ચુડાસમાને શંકાસ્પદ ચીજ વસ્તુ સાથે પકડી પાડયો હતો. તેની પુછપરછમાં ગુનાની કબુલાત આપતાં ભુજ બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. કેસની તપાસ કરી રહેલા સબ ઇન્સ્પેકટર જે.કે.બારીઆએ આરોપીને છ દિવસના રિમાન્ડની માગણી સાથે ભુજ ચીફ જ્યુ.મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરતાં અદાલતે ૧૯ ઓક્ટબર સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ આર.આર.પ્રજાપતિએ હાજર રહી દલીલો કરી હતી.


Google NewsGoogle News