For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કચ્છ એસટીની બસો ચૂંટણીમાં ફાળવવામાં આવતા અનેક રૂટ રદ્ થયા : પ્રવાસીઓને હાલાકી

Updated: May 7th, 2024

કચ્છ એસટીની બસો ચૂંટણીમાં ફાળવવામાં આવતા અનેક રૂટ રદ્ થયા : પ્રવાસીઓને હાલાકી

- લોકસભાની ચૂંટણી સમયે પ્રવાસી રઝળ્યા

- એસટી નિગમની નાની-મોટી 245 બસો ચૂંટણી માટે ફાળવાઈ : નાના અંતરના રૂટનું સંચાલન ખોરવાયું

ભુજ : લોકશાહીના મહાપર્વને આડે હવે ગણત્રીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આંતરિક નાના રૂટોની બસો ચૂંટણીમાં ફાળવી દેવાના કારણે પ્રવાસીઓ મૂશ્કેલીમાં મૂકાયા છે. અને ફરજીયાતપણે ખાનગી વાહનોમાં મોંઘાદાટ ભાડા ચૂકવી પ્રવાસ કરવાની ફરજ પડી છે.

કચ્છ મોરબી લોકસભાની ચૂંટણી સબબ કચ્છ એસટી તંત્ર દ્વારા નાની મોટી ર૪પ જેટલી બસો ફાળવવામાં આવી છે. ગઈકાલથી જ કચ્છના ૧૮૪પ મતદાન મથકોને ઈવીએમ-વીવીપેટ મશીનો સાથે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ, સુરક્ષા કર્મીઓને અને સાધનો પહોંચાડવા માટે એસટીની બસોનો ઉપયોગ કરાયો છે. કચ્છ એસટી વિભાગ દ્વારા ર૦૦ જેટલી મોટી બસ અને ૪પ જેટલી નાની બસ ગઈકાલથી જ ફાળવી દેવામાં આવતા કચ્છના નાના અંતરના રૂટો ખોરવાયા હતા.

આજે સવારથી જ લાંબા અંતરની એક્ષપ્રેસ બસો સિવાય નાના અંતરની બસો ન મળતા નોકરીયાત વર્ગ, દરરોજ અપ-ડાઉન કરતા લોકો રઝળ્યા હતા. અને ખાનગી વાહનોના મોંઘાદાટ ભાડા રૂટો બંધ હોવાથી ભુજથી માંડવી, નખત્રાણા, ખાવડા, નલિયા અને મુન્દ્રા જવા માટે ખાનગી વાહનોને બખ્ખા પડી ગયા છે. હજુ બે દિવસ સુધી એસટી વિભાગની નાના રૂટની બસો બાધિત રહેવાની શક્યાઓ નકારી શકાય નહીં.

મંગળવારે જ્યારે મતદાન પ્રક્રિયા પુરી થાય ત્યારબાદ કચ્છના તમામ મતદાન મથકોની સાધન સામગ્રી અને કર્મચારીઓને પરત મૂકવાની કામગીરી પુરી થયા બાદ એસટીની બસો પાછી ડેપો પર ફરશે. ત્યારબાદ એસટીના નાના રૂટનું સંચાલન પૂર્વવત થશે. જો કે લાંબા અંતરે પ્રવાસ કરતા મુસાફરોને રાહત મળી છે.

Gujarat