માધાપર નજીક ટ્રેલરના વ્હીલ ફરી વળતાં બાઇકસવાર દંપતિનું મોત
સુખપરની ઘટના ભુલાઈ નથી ત્યાં બીજો જીવલેણ અકસ્માત
ટ્રેલરે બાઈકને ટક્કર મારતાં દંપતિ પટકાયું ને અંજારના ખંભરા ગામના પતિ-પત્નિના માથાં અને પેટ ઉપર વ્હીલ ફરી વળ્યાં
ભુજ: સુખપર પાસે દાદી - પૌત્રનાં ટ્રક તળે મોત નીપજ્યા હતા. આ જ પ્રકારે હવે માધાપર પાસે સર્જોયેલા અકસ્માતમાં ખંભરા ગામના દંપતિએ જીવ ગુમાવ્યો છે. અંજાર તાલુકાના ખંભરા ગામેથી ભુજ આવી રહેલા દંપતિની બાઇકને માધાપરમાં નળવાળા સર્કલ પાસે પાછળથી ટ્રેઇલરે ટક્કર મારી હતી. બાઈક સ્લીપ થતાં દંપતિ રોડ ઉપર પટકાયું હતું. પતિ-પત્નીના પેટ અને માથા ઉપર ટ્રેલરના રાક્ષસી વ્હીલ ફરી વળ્યાં હતાં. ગંભીર ઇજાઓને કારણે સારવાર પૂર્વે જ બન્નેના મોત નીપજ્યા હતા. બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. પોલીસને એવી પ્રાથમિક વિગતો મળી છે કે, મૃતક મેઘજીભાઈ વણકર મજૂરી કામ કરતાં હતાં. કોઈ કામસર મેઘજીભાઈ અને તેમના પત્ની જ્યોતિબહેન ભુજ આવતાં હતાં ત્યારે માધાપર પાસે જીવ ગુમાવ્યાં હતાં. આ અકસ્માતથી મેઘજીભાઈનો ૧૫ વર્ષનો પુત્ર અને અપંગ માતા નોંધારાં બન્યાં છે.
માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માત ફેટલનો બનાવ શનિવારે સાંજે અંજારના ખંભરા ગામે રહેતા ૪૦ વષય મેઘજીભાઇ દેવીલાલ વણકર અને તેમના પત્નિ જ્યોતિબેન મેઘજીભાઇ વણકર (ઉ.વ.૩૦) બન્ને જણાઓ ખંભરાથી ભુજ આવી રહ્યા હતા. માધાપરથી નળવાળા સર્કલ નજીક તેમની બાઇકને પાછળથી ટ્રેઇલરના ચાલકે ટકકર મારતાં બન્ને જણાઓ બાઇક પરથી ફંગોળાઇને રોડ પર પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે બન્નેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આસપાસથી લોકો દોડી આવ્યા હતા. હતભાગી દંપતિને જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. માધાપર પોલીસ મથકના હિતેશભાઇ વાઢેર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું. દંપતિ ખંભરા ગામના છે. સ્થળ પરથી લોકોના નિવેદન લેવાનું કામ ચાલી રહ્યું છે. કોઇ કહે છે બાઇક સ્લીપ થઇને ટ્રેઇલર સાથે અકસ્માત થયો કોઇ કહે છે. સાઇડ કાપતી વખતે ટ્રેઇલરનો પાછળનો ભાગ અથડાતાં બાઇક પડીને દંપતિ રોડ પર પટકાતાં મોત થયું હોવાનું જણાવી રહ્યા છે. અકસ્માત સ્થળેથી ટ્રેઇલર ચાલક નાસી ગયો છે. પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.
- રોન્ગસાઈડ ઓવરટેકથી બીજો પરિવાર તહસનહસ થોડી ઉતાવળ અને આડેધડ પાર્કિંગ પણ જવાબદાર
ભુજમાં રોન્ગ સાઈડ ઓવરટેક કરવા જતાં ત્રણ જ દિવસમાં બીજો પરિવાર તહસનહસ થયો છે. સુખપર પાસે ટ્રકના ટાયર નીચે દાદી અને પૌત્ર કચડાયાં હતાં. ટુ વ્હીલર ચલાવી રહેલી માતા ટ્રકની ડાબી તરફથી આગળ જતાં હતાં અને આગળ રોડ ઉપર જીપ પાર્ક કરેલી હોવાથી જરા સરખો જમણો ટર્ન લેતાં જ ટ્રકની ટક્કર વાગતાં ટુ વ્હીલર સ્લીપ થયું હતું અને પાછળના વ્હીલમાં દાદી-પૌત્ર કચડાયાં હતાં. ભુજના પરાં વિસ્તાર માધાપરમાં નળ સર્કલ પાસે પણ આ જ રીતે દંપતિ બાઈક ઉપર પસાર થતું હતું અને ડાબી તરફથી ટ્રેલરની આગળ જવા પ્રયાસ કર્યો હતો. ટ્રેલરની ટક્કરથી દંપતિ પટકાયું અને બન્ને ઉપર પાછળનું વ્હીલ ફરી વળ્યું હતું. બન્ને અકસ્માતમાં ટ્રેલર અને ટ્રકચાલકોની થોડી ઉતાવળ તેમજ રોડ ઉપર આડેધડ પાર્કિંગના કારણોસર બે પરિવાર તહસનગર થઈ ગયાં છે.