કચ્છની પાકિસ્તાન સરહદે B.S.F.ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, હેડ કોન્સ્ટેબલના ગરમી-તરસથી મોત
ફુટ પેટ્રોલીંગ વખતે કાદવમાં ફસાયા બાદ ડીહાઈડ્રેશન
શુક્રવારે વહેલી સવારે આસિ. કમાન્ડન્ટ સહિત ૬ જવાનો પેટ્રોલીંગમાં નીકળ્યા બાદ બપોરે ઘટનાઃ જવાનોના પાર્થિવદેહ વતન બિહાર, ઉત્તરાખંડ મોકલાયા
ભુજ: ભારત- પાકિસ્તાનને જોડતી આંતરરાષ્ટ્રીય કચ્છ સરહદે પગપાળા પેટ્રોલીંગમાં નીકળેલા બોર્ડર સિક્યુરીટી ફોર્સના બે જવાનોના ડિહાઈડ્રેશનના કારણે મૃત્યુ નીપજ્યા છે. લખપત બોર્ડર પીલર નંબર ૧૧૩૬ પાસે આ બનાવ બન્યો હતો. ડેપ્યુટી કમાન્ડન્ટ વિષ્ણુ દેવની રાહબારી હેઠળ શુક્રવારે વહેલી પરોઢે પાંચ વાગ્યાના અરસામાં દયાલરામ સહિતના ૬ જવાનોની ટીમ ફુટ પેટ્રોલીંગમાં નીકળી હતી. ત્યારબાદ બપોરના સમયે લખપત તાલુકાના હરામીનાળા વિસ્તારમાં અટપટી ક્રીકમાં આસી. કમાન્ડન્ટ સહિત છ જવાનો કાદવમાં ખુંપી ગયા હતા. ત્યારબાદ તેઓને કાઢવાના પ્રયાસો થયા હતા પરંતુ પાણી ખૂટી જતા તરસના કારણે તમામને ડીહાઈડ્રેશનની અસર થઈ હતી.
શુક્રવારે બપોરે બનેલી આ ઘટનાની જાણ થતાં જ તુરંત પાણીના જથ્થા, ઓઆરએસ અને દવાઓ સાથે ટીમ પહોંચી ગઈ હતી. જવાનોને તાકિદે સારવાર અર્થે ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા પરંતુ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિશ્વા દેવા રમણનાથ ઝા (ઉ.વ.૪૫) મૂળ બિહાર તેમજ ઉતરાખંડના મલીપાટનના હેડ કોન્સ્ટેબલ દયાલકુમાર બસતનરામને તબીબે સારવાર પૂર્વે જ મૃત જાહેર કર્યા હતા. શહીદ થયેલા જવાનો બીએસએફની ૫૯ મી બટાલિયનમાં ફરજ બજાવતા હતા. આ ઘટનામાં એક જવાનનો જીવ બચાવી લેવાયો હતો. શહીદ થયેલા બીએસએફના જવાનોના મૃતદેહને ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ પી.એમ. કરી વતન મોકલાયા હતા. આ બનાવ અંગે દયાપર પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી.
લખપત તાલુકામાં ક્રીક વિસ્તારમાં પડકારજનક સ્થિતિમાં જવાનો પેટ્રોલીંગ કરતા હોય છે. ક્રીક વિસ્તારમાં જવાનોના ઘુંટણ ખૂંપી જતા હોય છે. અમુક વખત સાપ, કાચીંડા સહિતના જીવ જંતુઓ પણ કરડી જવાની ઘટનાઓ ભૂતકાળમાં બની ચુકી છે. હવે કાદવમાં ફસાઈ ગયા બાદ ગરમી અને પાણી ન મળતા જવાનોના મોતની ઘટનાએ ચકચાર સાથે ચિંતા જગાવી છે. હતભાગી આસિ કમાન્ડન્ટ સહિત જવાનો શુક્રવારે ફુટ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. ત્યારબાદ ક્રીકમાં કાદવવાળી જગ્યાએ આ ત્રણ જવાનોના પગ કાદવમાં ખુંપી ગયા હતા તેમને સાથી જવાનોએ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ નીવડયા હતા. હાજરમાં સાથે રહેલું પાણી પણ ખુટી ગયું હતું અને જવાનો બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ ઉપરી અધિકારીઓને જાણ થઈ હતી તેઓ ટીમ સાથે દોડી ગયા હતા. અને પ્રાથમિક સારવાર માટે ખાવડાની સીએચસી ખાતે લવાતા જયાં એક જવાનનો જીવ બચાવી લેવાયો હતો. જયારે બે ના મોત નીપજયા હતા.
ભારે ગરમી વચ્ચે કચ્છની ક્રીક સરહદે કાદવ કીચડમાં પેટ્રોલીંગ કરી રહેલા ૬ની ટીમ પૈકી ત્રણ જવાનો ડિહાઈડ્રેશનનો ભોગ બન્યા હતા. જેમાંથી એકનો જીવ બચી ગયો છે, જયારે બે જવાન શહીદ થયા હતા. આ બનાવને પગલે બીએસએફના અધિકારીઓ- જવાનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બીએસએફની યાદીમાં જણાવ્યા મુજબ, આ ઘટનાનો ભોગ બનેલા જવાનોને વ્યાપક તાલીમ અને અનુભવ હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોટેશ્વર નજીકથી ક્રીકનો વિસ્તાર શરૂ થાય છે. સંખ્યાબધ્ધ અટપટી ખાડીઓ(ક્રીક)ને કારણે આ વિસ્તાર ભૌગોલિક રીતે વિશિષ્ટ પ્રકારનો છે. કયાંક ચેરિયાના વન, કયાંક કાદવવાળી જમીન, કયાંક છીછરૂ પાણી તો કયાંક ઊંંડુ પાણી. આ કાદવ અને ભીનાશવાળી જમીનના કારણે સમયાંતરે બીએસએેફ ના જવાનો દુર્ઘટનાનો ભોગ બનતા માંડ બચે છે.
- જેસલમેરમાં ગરમીના કારણે એક જવાનનું મોત થયું હતું
મે મહિના દરમિયાન રાજસ્થાનમાં ગરમીના કારણે બીએસએફ ના જવાનનું મોત થયું હતું. મે મહિનાની કાળઝાળ ગરમી દરમિયાન બોર્ડર પર પેટ્રોલીંગ દરમિયાન અજયકુમાર નામના જવાનને ડિહાઈડ્રેશનની અસર થવા પામી હતી. તેઓ બીએસએફના ૧૭૩ મા કોર્પ્સના જવાન હતા. કોન્સ્ટેબલ તરીકે તેઓ તૈનાત હતા અને પશ્વિમ બંગાળના વતની હતા. મે મહિનામાં જેસલમેરમાં તાપમાનનો પારો ૫૦ ડિગ્રીને પાર કરી ગયો હતો ત્યારે આ ઘટના ઘટી હતી.