Get The App

પોતાની જ માલિકીની જમીનથી અજાણ અંજાર તાલુકાનું પાણી પુરવઠા વિભાગ

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
પોતાની જ માલિકીની જમીનથી અજાણ અંજાર તાલુકાનું પાણી પુરવઠા વિભાગ 1 - image


ટપ્પર ડેમથી ગાંધીધામ સુધીના રસ્તા પર બિલ્ડરોના અસંખ્ય દબાણો

પાણી પુરવઠાને કંડલા કોમ્પ્લક્ષેને પાણી આપવા માટે નવી લાઈનો નાખવી હોય તો  દબાણો કર્તા બિલ્ડરો ભાજપના નેતાઓ નાખવા દેતા નથી  

ભુજ: અંજાર તાલુકાના પાણી પુરવઠા વિભાગ પાસે પોતાની માલિકીની કેટલી જમીન કયા ગામે છે તેની માહિતી જ તેમની પાસે નથી. જેના કારણે વર્ષો પહેલા પાણી પુરવઠા બોર્ડે ૧૯૬૬માં જમીન સંપાદન કરી છે જેની રેવન્યુ  રેકર્ડમાં નોંધ પડી હોવા છતાં આટલા વરસો પછી પણ પાણી પુરવઠાના રેકોર્ડ પર આ જમીન બોલતી નથી. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટપ્પર ડેમથી રામબાગ સુધી કંડલા કોમ્પ્લેક્ષને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની લાઈનો તેમજ રોડ માટે ૨૪થી ૨૬ મીટર સુધી ટપ્પર, ભીમાસર, અજાપર તથા વરસામેડી ચાર ગામોની જમીનો સંપાદન કરવામાં આવી છે. પરંતુ પાણી પુરવઠા બોર્ડની બેદરકારીના કારણે આ જમીન પર બિલ્ડરોએ મોટા પાયે  દબાણો કરી નાખ્યા છે. અને આ રોડ પર પાણી પુરવઠાના અધિકારીઓ દરરોજ ટપ્પર ડેમ ઉપર જાય છે. તેમ છતાં પાણી પુરવઠાના અધિકારીઓને દબાણો દેખાતા નથી.

નવાઈની વાત એ છે કે, પાણી પુરવઠાને કંડલા કોમ્પ્લક્ષેને પાણી આપવા માટે નવી લાઈનો નાખવી હોય તો આ  દબાણો કર્તાઓ બિલ્ડરો તેમજ ભાજપના નેતાઓ નાખવા દેતા નથી અને જેના કારણે પાણી પુરવઠા બોર્ડએ લાચારીથી પોતાની માલિકીની જમીન હોવા છતાં ડામર રોડની વચ્ચે ખોદાણ કરી લાઈનો નાખવી પડે છે, પરંતુ આ દબાણો હટાવાની હિંમત પાણી પુરવઠા બોર્ડની નથી.

તાજેતરમાં સુખપર પાણી યોજના મંજુર થયી છે, જેમાં ૧૦થી ૧૨ ગામોનો સમાવેશ થયો છે.આ યોજનામાં ટાંકાઓ બની ગયા છે પરંતુ ખેડૂતો લાઈન નાખવા દેતા નથી. ટપ્પર ડેમથી ગાંધીધામ સુધીની પાણીની લાઈનોમાં બિલ્ડરો દ્વારા ઘણા બધા ગેરકાયદેસર કનેકસનો લઈ લેવામાં આવ્યા છે. જેની માહિતી પણ પાણી પુરવઠા બોર્ડ પાસે નથી. જેના કારણે પણ કંડલા કોમ્પ્લેક્ષને પાણી પહોંચાડી શકાતું નથી. 

આ બાબતે રજુઆત મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વી.કે.હુંબલ દ્વારા કરવામાં આવી છે જેમાં, જણાવ્યાનુસાર, સરકારી તંત્રની કેટલી ઘોર બેદરકારી છે જેનો આ નમૂનો છે. માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતી બાદ આ બેદરકારી સામે આવી છે અને પાણી પુરવઠા બોર્ડ પાસે પોતાની માલિકીની કેટલી જમીન છે જેની જ વિગત નથી, તો શું સમજવું? 

દૂધઈ, ટપ્પર, ભીમાસર, અજાપર, વરસામેડી સુધી ૨૪થી ૧૬ મીટરનો રસ્તો સંપાદન થયો છે અને આ રસ્તા પર ફોરલેન બની શકે તેમ છે પરંતુ અફસોસ એ વાતનો છે કે, પાણી પુરવઠા બોર્ડ પાસે પુરતી માહિતી જ નથી.


Google NewsGoogle News