Get The App

ભુજમાં હાથીદાંતની બંગડીઓ વેચવાનું કારસ્તાન ઝડપાયું,ત્રણની ધરપકડ

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
ભુજમાં હાથીદાંતની બંગડીઓ વેચવાનું કારસ્તાન ઝડપાયું,ત્રણની ધરપકડ 1 - image


એફ.એસ.એલ.માં ૭ બંગડી હાથીદાંતની હોવાનું બહાર આવ્યું

વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન હેઠળ કાર્યવાહી કરાશે

ભુજ: ભુજ શહેરમાં આવેલ ડાડા બજારમાં ચોરી છુપી રીતે હાથીદાંતની બંગડીઓ વેચાણ કરવાનું કારસ્તાન એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડયું છે.આ બનાવમાં ચાર ઇસમોના નામ ખુલવા પામ્યા છે.જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ૧૦ પૈકી ૭ બંગડી હાથીદાંતની હોવાનું ખુલવા પામ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ બજાર વિસ્તારમાં મણીયાર બેંગલ્સ નામની દુકાનમાં હાથીદાંતની બંગડીઓ બનાવાય છે તેવી બાતમી મળતા પોલીસ ટિમ સ્થળ પર જઈને આસીમ અહમદ મણીયાર હાજર હતો. દુકાનના ટેબલના ખાનામાં નાની મોટી જાડી સાઈઝની હાથીદાંતની બંગડી નંગ ૧૦ મળી આવી હતી.ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ભુજના સોનીવાડ વિસ્તારમાં આવેલ મુનશી શેરીમાં રહેતા આસીમ અહમદ મણીયાર,અહમદ સુલેમાન મણીયાર,અલ્તાફ અહમદ મણીયાર,અઝરૂદીન નિઝામૂદીન મણીયારને લઇ જવાયા હતા.જ્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના દરોડા દરમિયાન સ્થળ પર પશુ ચિકિત્સક ડો.દીક્ષિત પરમારને બોલાવાયા હતા.અને ૧૦ બંગળીના સેમ્પલો લેવાયા હતા.આ સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રાજકોટ મોકલવામાં આવ્યા હતા જેમાં ૧૦ પૈકી ૭ બંગડી હાથી દાંતની હોવાનું બહાર આવવા પામ્યું હતું.જેની અંદાજીત કિંમત એક લાખની હોવાનું જાણવા મળે છે

એસ.પી.વિકાસ સુંડાના જણાવ્યા પ્રમાણે ૭ બંગડી હાથીદાંતની છે જે ક્યાંથી આવી હતી.તે તપાસ ચાલી રહી છે તેમજ આગળની કાર્યવાહી માટે વન વિભાગને તપાસ સોંપવામાં આવશે આ  બનાવમાં વાઈલ્ડ લાઈફ એક્ટ મુજબ કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવશે .હાલ આ સમગ્ર બનાવમાં પ્રતિબંધિત હાથીદાંત ક્યાંથી આવ્યા તે એક સવાલ છે. વર્ષોથી બજાર વિસ્તારમાં બેંગલ્સની દુકાન છે.ત્યારે હાલ આ ઘટનામાં હાથીદાંત ક્યાંથી આવ્યા તે એક પ્રશ્ન છે.આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ થશે તો અનેકના પગ નીચે રેલો આવવાની શક્યતા છે..

હાથીદાંતની વસ્તુઓ વેચાણ પર પ્રતિબંધ

રાજ્યભરમાં એન્ટિક વસ્તુઓની આડમાં મોટી સંખ્યામાં હાથીદાંતની વસ્તુનું વેચાણ થઈ રહ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, ૧૯૭૨ હેઠળ, ભારતમાં હાથીદાંત અને હાથીદાંતની પેદાશોના વેચાણ પર પ્રતિબંધ છે. 

કાળાબજારમાં એક કિલોગ્રામ હાથીના દાતની કિંમત ૨-૩ લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.ગુજરાતમાં ઘણા વન્યજીવો અને તેમના ઉત્પાદનો પ્રતિબંધિત છે. જેમાં હાથીદાંત, સિંહના દાંત, વાઘની ચામડી, સફેદ ગરોળી, ચિત્તાની ચામડી, વાઘનું માંસ, હાથીનું માંસ, ગેરકાયદેસર શિકાર કરેલા પ્રાણીઓ અને તેમના ઉત્પાદનોનો સમાવેશ થાય છે.



Google NewsGoogle News