ભચાઉમાં લૂંટ કર્યા બાદ અડધા રૂપિયા પાછા અપાયા, બાકી રહેતા રૂપિયા ન આપતા ફરિયાદ નોંધાવી
લૂટમાં મદદ કરનારે ૨૦ લોકો વિરુદ્ધ હુમલો અને ૨૦ લાખનું નુકસાન કર્યા હોવાથી અલાયદી ફરિયાદ નોધાવી
ગાંધીધામ: ભચાઉ તાલુકાના ખારોઈ ગામે પટેલ વાસની પાછળના ઘરમાં લૂંટ થઈ હતી. જો કે ગામના જ આરોપીઓ હોતા મુદ્દામાલ પરત મળ્યો હતો. જેમાં રોકડા રૂ. ૭૩ હજાર પરત ન મળતા ફરિયાદ કરવામાં આવી છે. તો બીજી તરફ આ લૂંટમાં મદદ કરનાર શખ્સે ૨૦ લોકો વિરુદ્ધ હુમલો અને ઘરમાં તોડફોડ કારી રૂ. ૨૦ લાખનું નુકસાન કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ગત તા. ૧૬ જુલાઈના રાતના એક વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. જેમાં આરોપી નિકુલ અમરશી કોલીએ રાતના એક વાગ્યે ઘરમાં પ્રવેશ કરીને અન્ય આરોપી ઉમલા કિરણ કોલી સાથે મળીને ફરિયાદીના ઘરમાં પીપડામાંથી સોના-ચાંદીના ૨,૬૮,૫૦૦ના દાગીના તેમજ રોકડા રૂા. ૧.૮૦ લાખ મળી ૪,૪૮,૫૦૦ નો મુદ્દામાલ લૂંટી લીધો હતો. ફરિયાદીને છરી બતાવી આ લૂંટ કરવામાં આવી હતી. આ બન્ને જણાને ભગાડવામાં ગામના મહાદેવ મેરામણ કોલીએ મદદગારી કરી હતી. જો કે સમાજના આગેવાનોએ સમજૂતી કરાવતા તમામ દાગીના અને રોકડા પૈકી ૧.૦૭ લાખ પરત મળી ગયા હતા. જો કે બાકીના ૭૩ હજાર પરત ન મળતા ભચાઉ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઈ હતી.
આ દરમિયાન લૂંટમાં મદદ કરનાર મહાદેવ મેરામણભાઈ કોલીએ ભચાઉ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ તથા તેમની સાથે ૨૦ થી ૨૫ અજાણ્યા ઈસમોએ ગેરકાયદે મંડળી બનાવીને પોતાનો હેતુ પાર પાડવા માટે ધોકા, ધારીયા, કુહાડી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. ફરિયાદીનો ભત્રીજો નિકુલ આરોપીના ઘરની ીને ભગાડી ગયો હોવા બાબતે મનદુઃખ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદીના ગોડાઉનમાં આગ લગાવી ધોકા, ધારીયા અને કુહાડી વડે ફરિયાદી તથા તેના ભાઈઓના મકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. જેમાં ૨૦ લાખનું નુકશાન થયું હતું. તેમજ ફરિયાદીના ભાઈ અરજણભાઈને આરોપી નરશીભાઈ રામસીભાઈ કોલીએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી નારાણભાઈ રામસીભાઈ કોલી, નરશીભાઈ રામસીભાઈ કોલી, રાહુલભાઈ નારાણભાઈ કોલી, કિરણભાઈ નારાણભાઈ કોલી તથા તેની સાથેના અજાણ્યા માણસો સામે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.