પોક્સોના કેસમાં આરોપીને 20 વર્ષ સખત કેદની સજા, 3.20 લાખનો દંડ
ગત નવરાત્રીમાં નખત્રાણા કોટડાના આરોપીનો સગીરા સાથે થયો હતો પરિચય
માનકુવાથી બાઇક પર સફેદ રણ ફેરવીને મોટા ભાઇના ઘરે રાત્રીના દુષ્કર્મ ગુજાર્યો હતો
ભુજ: ગત વર્ષે નવરાત્રિ દરમિયાન ૧૩ વર્ષ સગીરા સાથે પરિચય કેળવીને પ્રેમજાળમાં ફસાવી મોટર સાયકલથી માનકુવા, ભુજ, સફેદ રણ ફેરવીને દુષ્કર્મ ગુજારનારા નખત્રાણાના કોટડા ગામના આરોપીને ભુજની કોર્ટે પોક્સોના કેસમાં ૨૦ વર્ષની સજા સાથે ૩ લાખ ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે.
માનકુવા પોલીસ મથકે ગત ૨૧ નવેમ્બર ૨૦૨૩ના રોજ નખત્રાણાના કોટડા ગામના જગદીશ રામજી જેપાર વિરૂધ્ધ અપહરણ પોક્સો દુષ્કર્મની કલમ તળે ફરિયાદ નોંધાવાઇ હતી. આરોપી જગદીશનો ભોગબનાર સગીરા સાથે ગત નવરાત્રિ દરમિયાન પરિચય થયો હતો. બાદમાં સગીરા સાથે પ્રેમ સબંધ બાંધ્યા પછી આરોપીએ સગીરાને માનકુવા ખાતે મળવા બોલાવી હતી. જ્યાં આરોપી સગીરાને મોટર સાયકલ પર બેસાડીને ભુજ લઇ આવ્યો હતો. અને તારે મારી સાથે લગ્ન કરીને રહેવાનું છે. તેમ કહીને સગીરાને સફેદ રણમાં ફરવા લઇ ગયો હતો. જ્યાંથી રાત્રી દરમિયાન આરોપી સગીરાને પોતાના મોટા ભાઇના ઘરે લઇ ગયો હતો. જ્યાં સગીરા સાથે શરીર સબંધ બાંધ્યો હતો. આ કેસમાં શુક્રવારે ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ વી.એ. બુધ્ધે ૨૧ દસ્તાવેજી પૂરાવા અને ૮ સાક્ષીઓને ધ્યાને લઇને આરોપી જગદીશને ઈપીકો કલમ ૩૬૩ હેઠળ ૩ વર્ષની કેદ, કલમ ૩૬૬ હેઠળ ૫ વર્ષની કેદ, ૩૭૬ હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદ અને પોક્સો એક્ટની કલમ ૪ હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તથા ૩.૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમમાંથી ત્રણ લાખ રૂપિયા ગુનાનો ભોગ બનનાર સગીરાને વળતર પેટે ચુકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.