મુંદરા પોર્ટમાં વેસલ પર કામ કરતો યુવાન દસ ફુટની ઉંચાઇએથી પટકાતાં મોત
માધાપરમાં માનસિક વિચલિત વૃધ્ધનો ફાંસો ખાઇ આપઘાત
મુંદરાની જીંદાલ કંપનીમાં કામ મરતા વયસ્ક શ્રમજીવીનું હાર્ટએટેકથી મોત
ભુજ: પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ ત્રણ બનાવોમાં સામે આવ્યા હતા. જેમાં ભુજ તાલુકાના માધાપર ગામે માનસિક વિચલિત વૃધ્ધે પોતાના ઘરના આંગણામાં લોખંડની આડી વળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. તો, મુંદરા પોર્ટ પર બર્થ પર લાગેલા વેસલ પર કામ કરતો મજુર દસ ફુટ ઉંચાઇએથી નીચે પટકાતાં ગંભીર ઇજાઓને કારણે તેનો જીવનદીપ બુઝાઇ ગયો હતો. જ્યારે જીંદાલ કંપનીમાં કામ કરતી વખતે શ્રમજીવીનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માધાપર નવાવાસમાં જલાલરા સોસાયટીમાં રહેતા ધીરજભાઇલાલજી વાઘમશી (ઉ.વ.૬૫)નામ ના વૃધ્ધે કોઇ અગમ્ય કારણોસર ગુરૂવારે મધરાત્રે પોતાના ઘરના આંગણામાં આવેલા લોખંડના એંગલ પર લુંગી વળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં હતભાગી માનસિક બીમાર હોઇ કંટાળીને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજીતરફ મુંદરા પોર્ટમાં બર્થ નંબર ૧૧ પર બુધવારે સાંજે કામ કરી રહેલા મુળ પશ્ચિમ બંગાળના હાલ નાના કપાયા ગામે રહેતા અશોક પ્રસાદ ચંદનપ્રસાદ શા (ઉ.વ.૩૨) નામનો યુવાન વેસલ પર કામ કરતી વખતે દસ ફુટ ઉંચાઇથી નીચે પટકાયો હતો. જેને માથાના ભાગે હેમરેજ સહિતની ઇજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં લઇ જવાતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તો, મુળ ઓડીશાના હાલ મુંદરાના સમાઘોઘા ગામે પંકજ કોલોની પ્રદિપકુમાર પ્રહલાદકુમાર મહાપાત્ર (ઉ.વ.૫૬) ગુરૂવારે જીંદાલ કંપનીમાં નાઇટ ડયુટીમાં કામ કરી રહ્યા હતા. ત્યારે તેમને હ્રદય રોગનો હુમલો આવતાં ઢીળી પડયા હતા. હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. મુંદરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.