નલિયા એરફોર્સમાં રાયફલ 'ઓટો મોડ'માં મુકી સિપાઈએ ટ્રીગર દાબતાં ૩ ગોળી લમણાંની આરપાર
- કચ્છમાં દોઢ વર્ષથી કાર્યરત હિમાચલ પ્રદેશના પરમજીતસિંઘનો આંચકારૃપ આપઘાત
- ભુજ એરફોર્સ, ખાવડા બોર્ડર પર બીએસએફ પછી ભાનાડા એરફોર્સ સ્ટેશનમાં બનાવ પશ્ચિમ કચ્છમાં ૨૫ દિવસમાં ત્રણ જવાનોના આપઘાતથી સુરક્ષા એજન્સીઓ ચિંતિત
ભુજ, બુધવાર
ભુજ એરફોર્સ અને ખાવડા નજીક રણમાં તૈનાત જવાનનોએ કરેલા આપઘાતની ઘટના હજુ તાજીજ છે ત્યાં અબડાસા તાલુકાના ભાનાડા એરફોર્સ સ્ટેશનમાં ગાર્ડ રૃમમાં પરમજીતસિંગ હરનામસિંગ નામના સિપાઈએ પોતાની રાયફલ વળે માથા પર ફાયરિંગ કરી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. છેલ્લા ૨૫ દિવસની અંદર ત્રણ ત્રણ આપઘાતના બનાવોથી સુરક્ષાદળોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
નલિયા પોલીસ માથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના ભાનાડા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા મૂળ હિમાચલ પ્રદેશના પરમજીતસિંગ હરનામસિંગ (ઉ.વ.૩૯) નામના જવાને મંગળવારે સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન ગોર્ડ રૃમમાં કોઇ અગમ્ય કારણોસર પોતાની રાયફલ વડે લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. સિપાઈ પરમજીતસિંગે પોતાની પાસે રહેલી રાયફલને ઓટો મોડમાં રાખીને લમણા ઉપર મુકી હતી. આ પછી એક જ વખત ટ્રીગર દાબ્યું હતું પણ ઓટો મોડ ઉપર હોવાથી રાયફલમાંથી નીકળેલી ત્રણ ગોળીઓ લમણાંની આરપાર નીકળી ગઈ હતી. મુળ હિમાચલ પ્રદેશના અને દોઢ વર્ષાથી કચ્છમાં એકલા રહીને ફરજ બજાવતાં પરમજીતસિંગે કયા કારણોસર આપઘાત કર્યો તે સ્પષ્ટ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે. નલિયા સરકારી હોસ્પિટલના તબીબે જવાનને મૃત જાહેર કરતાં બનાવની નોંધ લઇ આગળની તપાસ પીએસઆઇ આર. બી. ટાપરિયાએ હાથ ધરી છે.
ગત ૧૫ નવેમ્બરના ભુજ એરફોર્સ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ યોગેશકુમાર રામજીત મહેતો નામના જવાને પોતાની રીવોલ્વરાથી આપઘાત કર્યો હતો, જ્યારે ગત ૧૮ નવેમ્બરના ખાવડા રણ સરહદે શેરદિલ આઉટ પોસ્ટ પીલર નંબર ૧૦૫૩ પર તૈનાત બીએસએફની ડી. કંપનીના કોસ્ટેબલ અજય નીતપ બિસ્વાસ નામના જવાને રાયફલ વળે પોતાના માથાના ભાગમાં ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.