આદિપુરમાં દીવાલ કૂદીને આવેલા બનેવીએ નિંદ્રાધીન સાળાને કુહાડીના ઘા મારી પતાવી દીધો
પાંચ-છ મહિના પહેલા ઝઘડો કરી પત્ની પિયરે ચાલી ગઈ તેના મનદુઃખે કરાઇ હત્યા
ગાંધીધામ: આદિપુરમાં મધરાત્રે બનેવીએ નિદ્રાધીન સગા સાળાના માથામાં કુહાડી ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી. ઘરકંકાસમાં પત્ની પાંચ-છ માસથી માવતરે રીસામણે બેઠેલી હોવાથી તેની અદાવતમાં ઉશ્કેરાયેલા પતિએ સાળાના ઘરની દીવાલ કૂદી આંગણામાં સૂતા સાળાને કુહાડીનો ઘા ઝીકિ દીધો હતો અને તેની પત્નીને ચાકુ બતાવી તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી દીવાલ કૂદી નાસી ગયો હતો. જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આદિપુર ચારવાળીમાં ભાડાના મકાનમાં પત્ની સાથે રહેતો મૃતક ૨૧ વર્ષીય પરેશ મોહનભાઈ ચુણા (મહેશ્વરી) શાકભાજીનો વ્યવસાય કરતો હતો અને તેના માતા, પિતા, બે ભાઈઓ નજીકની બારવાળીમાં રહે છે. પરેશની મોટી બહેન જમનાના લગ્ન મૂળ મથડાના વતની અને હાલે ગાંધીધામ સુંદરપુરી, નવરાત્રિ ચોકમાં રહેતા ભાણજી નારાણભાઈ ધુવા સાથે થયેલાં છે. ભાણજી જોડે ઘરકંકાસ રહેતો હોઈ જમનાબેન છેલ્લા પાંચ-છ માસથી રીસામણે માવતરે આવી ગઈ હતી. દરમિયાન ગત રાત્રે મરણ જનાર પરેશ જમી પરવારીને પત્ની જોડે આંગણામાં જમીન પર સૂતો હતો ત્યારે મધરાત્રે ત્રણ-સવા ત્રણના અરસામાં દીવાલ કૂદીને ભાણજી અંદર ઘૂસ્યો હતો અને નિદ્રાધીન પરેશના માથામાં કુહાડી ઝીંકી તેનું માથું ફાડી નાખ્યું હતું. બનાવ સમયે પરેશની પત્ની અનામિકાબેન જાગી જતા ભાણજીએ તેના બીજા હાથમાં રહેલી છરી બતાડી તેને ધમકી આપી હતી. કે હવે તને પણ મારી નાખીશ તેવું કહી દીવાલ કૂદીને નાસી ગયો હતો. બનાવના પગલે અનામિકાબેને તુરંત બાજુમાં રહેતાં સાસુ-સસરાને જાણ કરતાં પરિવારજનો ગંભીર હાલતમાં રહેલાં પરેશને ૧૦૮ મારફતે રામબાગ હોસ્પિટલે લઈ ગયાં હતા પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.