Get The App

નખત્રાણામાં ગાજવીજ તોફાની પવન અને કરા સાથે સવા ઈંચ વરસાદ

Updated: May 16th, 2024


Google NewsGoogle News
નખત્રાણામાં ગાજવીજ તોફાની પવન અને કરા સાથે સવા ઈંચ વરસાદ 1 - image


કચ્છમાં ત્રીજા દિવસે વરસાદી માહોલ

ભુજમાં ઝાપટું પડતા માર્ગો ભીના થયા : ૪ર.૧ ડિગ્રી સાથે કાળઝાળગરમી અનુભવાઈ

અબડાસા, ભચાઉ, નખત્રાણા અને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટાં

ભુજ: હવામાન વિભાગની કચ્છમાં વરસાદની કરેલી આગાહી વચ્ચે ભારે ગાજવીજ, તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. નખત્રાણામાં કરા સાથે સવા ઇંચ જેટલો વરસાદ વરસતા માર્ગો પરથી જોશભેર પાણી વહી નીકળતા ચોમાસુ માહોલ સર્જાયો હતો.સાંગનારા,બેરૂમાં કરા સાથે વરસાદ પડયો હતો. ભુજ, ભચાઉ, અબડાસા તથા નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જિલ્લાના ત્રણ સ્થળોએ તાપમાનનો પારો ૪૧થી ૪રથી ડિગ્રીની આસપાસ  રહેતા અસહ્ય ગરમી અને ઉકળાટ અનુભવાયો હતો. ભુજ ૪ર.૧ ડિગ્રી સાથે રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ મથક રહ્યું હતું.

જિલ્લાના વાતાવરણમાં પલટાનો દોર ત્રીજા દિવસે યથાવત રહ્યો હતો. જિલ્લા કન્ટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણેે નખત્રાણા ખાતે બપોરના ૪થી ૬ દરમિયાન ૩૩ મિ.મિ. વરસાદ નોંધાયો છે. સવા ઈંચથી વધુ વરસાદ વરસતા ઠેર ઠેર માર્ગો પરથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. બસ સ્ટેશન પાસે વોકળામાં પાણી વહી નીકળતા અવરજવર માટે માર્ગ બંધ થઈ ગયો હતો. માર્ગની બંને તરફ વાહનો અટવાયા હતા. તાલુકાના નાના અંગીયા, ચાવડકા વાડી વિસ્તાર, વિથોણ, ઉખેડા, દેવપર યક્ષ, મંજલ, વીરાણી મોટી, બેરૂ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયા હોવાનું જાણવા મળ્યું છે. અબડાસાના રાતાતળાવ ખાતે વીજળીના કડાકા ભડાકાના માહોલ વચ્ચે વરસાદ પડયો હતો.

નખત્રાણા તાલુકાના કોટડા (જ) ગામે દિવસભરના ભારે ઉકળાટ બાદ બપોરે ભારે પવન અને ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. માર્ગો પર પાણી ભરાયા હતા.

જિલ્લા મથક ભુજમાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. પશ્ચિમ દિશામાં આકાશમાં કાળા વાદળો છવાયા હતા. વીજળીના ચમકારા સાથે હળવું ઝાપટું પડયું હતું. માર્ગો ભીના થયા હતા. મહત્તમ તાપમાન ૪ર.૧ ડિગ્રી સે. નોંધાયું હતું. બપોરે અસહ્ય તાપ અને ઉકળાટ અનુભવાતા લોકો ત્રસ્ત થયા હતા. તાલુકાના માનકુવા ખાતે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વીજ પુરવઠો ઠપ્પ થઈ જતાં લોકોને પરેશાની ભોગવવી પડી હતી. ભચાઉ તાલુકાના વોધડા ગામે હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું.

કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાન અઢી ડિગ્રીના વધારા સાથે ૪૧ ડિગ્રી, કંડલા (એ.) ખાતે બે ડિગ્રીના વધારા સાથે ૪૦.૮ ડિગ્રી અને નલિયામાં ૩૭.પ ડિગ્રી નોંધાયું હતું. નિષ્ણાંતોએ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુની શરૂઆત વહેલી થવાની સંભાવના વ્યક્ત કરી હતી.


Google NewsGoogle News