મુંદરાના ગુંદાલા પાસે રોડ ક્રોસ કરતા આધેડનું ટેમ્પાની અડફેટે મોત
પ્રાગપર ગુંદાલા હાઇવે પર કારની ટકકરે બાઇક ચાલકનો જીવ ગયો
ભુજ: મુંદરા તાલુકાના પ્રાગપર મોખા હાઇવે પર ગુંદાલા નજીક સર્જાયેલા બે માર્ગ અકસ્માતના બનાવમાં રોડ ક્રોસ કરીને જતા આધેડને ટેમ્પો ચાલકે અડફેટે લેતાં તો, બાઇક પર જઇ રહેલા યુવાનને કારે ટકકર મારતાં બન્નેના મોત નીપજ્યા હતા. મૃતકના પરિવારજનોમાં અરેરાટી સાથે આક્રંદ છવાઇ ગયો હતો.
પ્રાગપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગુંદાલા ગામે રહેતા અને ગુંદાલા હાઇવે પર એગ્રો પ્યાર (આર.એસ.ત્રિવેણી) કંપનીમાં નોકરી કરતા જુસબ સિદ્દિક ખલીફા (ઉ.વ.૫૨) સોમવારે બપોરે સવા બે વાગ્યે ગુંદાલા રતડીયા નેશનલ હાઇવે પર રોડ ક્રોષ કરી રહ્યા હતા. ત્યારે આઇસર ટેમ્પોના ચાલકે જુસબભાઇને અડફેટે લેતાં માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. તો, બીજીતરફ મુંદરાના બારોઇ ગામે રહેતા ૩૩ વર્ષીય સામતભાઇ ઉર્ફે સામજીભાઇ મહેશ્વરી પોતાના કબ્જાની મોટર સાયકલથી બુધવારે સવારે પોણા નવ વાગ્યે પ્રાગપર ગુંદાલા હાઇવે પરથી જઇ રહ્યા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઇકને ટકકર મારતાં સામતભાઇ રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેને કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાગપર પોલીસે અકસ્માત સર્જનારા બે વાહન ચાલકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- મોરબીમાં ટ્રક પરથી પડી જતાં નખત્રાણાના ચાવડકાના યુવકનું સારવારમાં મૃત્યુ
નખત્રાણાના ચાવડકા ગામે રહેતા ૪૦ વર્ષીય સુરતનસિંહ સવાઇસિંહ સોઢા ગત ૨૮ મેના મોરબી ખાતે વેરીટાસ ગ્રેનાઇટમાં ટ્રક ખાલી કરવા ગયા હતા. ત્યારે તાલપત્રી ઢાંકતી વેળાએ ટ્રક પરથી પડી જતાં ઇજાગ્રસ્ત થયા હતા. જેમને મોરબી સરકારી દવાખાના બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં જ્યાં સારવાર દરમિયાન બુધવારે દસ વાગ્યે હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી હતી.