ભુજના છઠ્ઠીબારી રીંગરોડ પર દુકાનમાં આગ લાગી
સવારે ૭-૩૦ કલાકે દુકાનમાં લાગેલી આગમાં રૂા.૧૦ લાખનો નુકશાન થવાનો અંદાજ
ભુજ: કચ્છમાં એકબાજુ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ખાસ કરીને ઉનાળાની સીઝન દરમ્યાન શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતી હોય છે. ત્યારે આજે ભુજ ખાતે આવેલી દુકાનમાં પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે.
ભુજના છઠ્ઠીબારી રીંગરોડ પર આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી.ભીડભાડ વાળા માર્ગ એવા છઠ્ઠીબારી રિંગરોડ પર આવેલી દિપ એન્ટરપ્રાઈઝ નામની ઈલેકટ્રોનીકની દુકાનમાં સવારે ૭-૩૦ કલાકે આગ લાગવાની ઘટના બની હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ પાણીની મોટર ગરમ થતા શોર્ટ સર્કિટ થઈ હતી જેના કારણે આગ લાગી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો અને જ્વાળાઓ આખી દુકાનમાં ફેલાઈ ગઈ હતી.
જે અંગે ભુજના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી.દોઢ કલાકની લાંબી મથામણ બાદ આ આગ કાબુમાં આવી હતી. આગ લાગવાના કારણે દુકાનમાં રહેલો સામાન, ફર્નિચર સહિતની વસ્તુઓ બળી ગઈ હતી. જેના કારણે અંદાજીત રૂ.૧૦ લાખનું નુકશાન થયું હોવાનું મનાય છે.પાણીની મોટરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું.ભુજ ફાયરના સચિન પરમાર સહિતની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમા લીધી હતી.ભુજની ફાયર બ્રિગેડ દ્વારા તાબડતોબ કામગીરી હાથ ધરવાના કારણે આસપાસની દુકાનોમાં નુકશાન થતું અટકયું હતું.