મેઘપર કુંભારડીમાં રહેણાંક મકાન અંદર ચાલતી જુગારધામ ઝડપાઈ
5 મહિલા સહીત 9 શખ્સોને ઝડપી, રોકડા ૧.૦૧ લાખ રૂપિયા અને ૬ મોબાઈલ ફોન કબ્જે કરાયા
ગાંધીધામ: અંજારનાં મેઘપર કુંભારડીમાં આવેલી સોસાયટીનાં રહેણાંકમાં ચાલતી જુગારધામ પર પોલીસે બાતમી આધારે દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમતી ૫ મહિલા સહીત કુલ ૯ શખ્સોને રોકડા રૂપિયા અને ૬ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૧.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર અંજારનાં મેઘપર કુંભારડીમાં કે. જી માણેક સ્કૂલ નજીક સિદ્ધાર્થનગરનાં મકાન નં - ૪૨,માં રહેતા વર્ષાબા ભીમદેવસિંહ રાણા પોતાના આથક ફાયદાસારુ બહારથી ખેલૈયાઓને બોલાવી પોતાના કબ્જાનાં રહેણાંક મકાનમાં જુગાર રમાણી નાલ ઉઘરાવી રહ્યા છે. જે બાતમી આધારે પૂર્વ કચ્છ એલ સી બી ની ટીમે સિદ્ધાર્થનગરનાં રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે મકાન માલિક વર્ષાબા સાથે વિક્રમસિંહ મૂળુભા જાડેજા, યશપાલસિંહ નવલસિંહ ઝાલા, કુલદીપ પ્રભુલાલ ચૌહાણ, શક્તિસિંહ મંગળસિંહ પરમાર, પવનબા નીરૂભા જાડેજા, વનિતાબેન સંકેતભાઈ શાહ, મુકતાબેન જયેશભાઈ ગઢવી અને રાજીબેન શંકરભાઈ ઠાકોરને રોકડા રૂ. ૧,૦૧,૫૦૦ અને ૬ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૧,૫૬,૫૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં પોલીસે તમામ ઝડપાયેલા આરોપી વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
રાપર - ભલાણીવાંઢનાં વાડી વિસ્તારમાં જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા
રાપરની ભલાણીવાંઢમાં વાડી વિસ્તારમાં ખુલ્લી જગ્યા પર રમાતી જુગાર પર ગાગોદર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૫ શખ્સો ધરમશી સાદુળભાઈ ભલાણી, દિનેશ તરસીભાઈ ભલાણી, નરપતભાઈ રામસીભાઈ ભલાણી, હરેશ અમરાભાઈ અખીયાણી અને કલાભાઈ રામસીભાઈ શેખાણીને રોકડા રૂ. ૧૫,૮૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.