અંજારમાં ચીટર યુવાનનું અપહરણ કરી માર મારી ખંડણી માંગવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
અંજારમાં ચીટર યુવાનનું અપહરણ કરી માર મારી ખંડણી માંગવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ 1 - image


રૂપિયા કઢાવવા કાયદો હાથમાં લેવો અંજારના યુવાનોને ભારે પડયો 

યુવાનને માર મારતો અને ૨૨ લોકો સાથે ચિટિંગ કરી હોવાનું કબૂલતો વાયરલ થયેલા વિડીયો બાદ પોલીસે કરી કાર્યવાહી 

ગાંધીધામ: અંજારમાં ગુરુવારે યુવાનને ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. ભુજનો યુવક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સરકારી લોન અપાવવાના નામે લોકો સાથે ઠગાઈ કરતો હોવાના આક્ષેપ સાથે લોકોએ માર મારતા આ યુવાને પોતે અત્યાર સુધી ૨૨ લોકો સાથે ઠગાઈ કરી હોવાની વાયરલ વીડિયોમાં કબૂલાત આપી હતી. દરમિયાન માર મારનાર આરોપીઓએ યુવાન અને તેના મિત્રનું અપહરણ કર્યા બાદ યુવાનના પિતાને ફોન કરી ૧.૨૨ લાખની ખંડણી માંગી હતી અને યુવાનના મિત્રના મોબાઈલ માથી રૂ. ૫૦ હજાર ટ્રાન્સફર કરી લીધા હતા અને રૂપિયા આવે છે તેવું માની યુવાન અને તેના મિત્રને ગોંધી રાખ્યો હતો. દરમિયાન પોલીસે યુવાનનો મોબાઈલ ટ્રેસ કરી ઘટના સ્થળે પહોચી ગયા બાદ યુવાનને છોડાવી લીધો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.   

આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ભુજની બકાલી કોલોનીમાં રહેતા અકરમ અનવર હુસેન સુમરાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે તે ઓનલાઈન સ્વરોજગાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, કુટીર ઉદ્યોગની લોન અપાવવાનું કામ કરે છે. ધોરણ ૯ પાસ આ યુવાનના જણાવ્યા પ્રમાણે અંજારથી ખુશ્બુબેનનો ફોન આવ્યો હતો કે, કુટીર ઉદ્યોગની લોન આવી નથી. તમે મારી પાસેથી લઈ ગયેલા રૂપિયા ૮,૫૦૦ પાછા આપી જાઓ, જેથી ફરિયાદી અને તેનો મિત્ર હીમત બાવાજી રૂપિયા પાછા આપવા ગયા ત્યારે યુવાનનો બીજો કસ્ટમર રાજેશ કોલીએ પણ રૂપિયા પાછા આપવાનું કહી માર માર્યો હતો. આ દરમિયાન ખુશ્બુબેનના પતિ ઘનશ્યામભાઈ રમેશભાઈ આહીર તેમના ચારેક મિત્રો સાથે આવ્યા અને બળજબરીથી ગાડીમાં બેસાડી ખેતરમાં વીડી ગામ તરફ લઈ જઈ લોખંડના પાઈપ વડે ઢોર માર માર્યો હતો. ફરિયાદીએ ત્યારે જણાવ્યું હતું કે, તમે જે રૂપિયા માંગતા હતા, તે આપવા હું તૈયાર છું ત્યારે આરોપીઓએ તારે બચવું હોય તો રૂપિયા ૧.૨૨ લાખની વ્યવસ્થા કર નહીં તો જીવતો નહીં મુકીએ તેવી ધમકી આપવામાં આવી હતી. આ દરમિયાન યુવકના પિતાને ફોન કરી રૂ. ૧.૨૨ લાખની વ્યવસ્થા કરી અંજાર આવો તેવું કહી ખંડણી માંગી હતી. દરમિયાન ફરિયાદી સાથે ગયેલા હિંમત બાવાજીના ખાતામાંથી ઓનલાઈન રૂ. ૫૦ હજાર મેળવી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન ભુજથી રૂપિયા આવે છે તેવું વિચારી આરોપીઓ જ્યારે ખુલ્લા ખેતરમાં યુવકોને ગોંધી રાખ્યા હતા ત્યારે પોલીસે ફરિયાદી યુવાનના મોબાઈલને ટ્રેસ કરી લોકેશન મેળવી લીધો હતો અને રાત્રે ૮ વાગ્યે પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. દરમિયાન પોલીસને જોઈ આરોપીઓ નાસી ગયા હતા. જેથી પોલીસે ફરિયાદી યુવાનને સારવાર માટે ભુજની  જી.કે. જનરલ હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં ડાબા હાથે ફ્રેક્ચર અને શરીરે માર મારવાથી ચાઠા પડી ગયા હોવાનું ખૂલ્યું હતું. બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી ગેરકાયદે રીતે અટકાયતમાં રાખી મિત્રના મોબાઈલમાંથી પૈસા મેળવી ફરિયાદીના પિતા પાસે ૧.૨૨ લાખની ખંડણી માંગવા સંદર્ભે રાજેશ ખેતાભાઈ કોલી અને ઘનશ્યામ રમેશભાઈ આહિર અને તેના બીજા ચાર મિત્રો સામે ફરિયાદીએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

આ ફરિયાદ યુવાન વિરુદ્ધ અગાઉ ૩ છેતરપિંડીની નોંધાયેલી છે ફરિયાદો 

અંજારમાં વાયરલ થયેલા વિડીયોમાં જે રીતે આ કેસના ફરિયાદી યુવાને કબૂલ્યું હતું કે તેણે અગાઉ ૨૨ લોકોને છેતર્યા તેમાથી ૩ કિસ્સામાં તો ભુજ ખાતે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને યુવાનને પોલીસે ઝડપી તેના વિરુદ્ધ કાર્યવાહી પણ ચાલુમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, ભુજની જનતાનગરીમાં રહેતાં નાગેન્દ્ર ચૌધરી નામના યુવકને માટલાંનો ધંધો કરવા માટે ૫.૭૫ લાખની લોન મંજૂર કરાવી આપવાના નામે ફાઈલ ચાર્જ અને સાહેબોને ખવડાવવાના બહાને અકરમે રૂ. ૪૮ હજાર મેળવી લઈ ઠગાઈ કરી હતી. નાગેન્દ્ર બાદ ભુજના વાણિયાવાડના ચિરાગ નવીન ગામોરે અકરમ સામે લોનના બહાને ૧ લાખ ૭૫૦૦ રૂપિયાની ઠગાઈ કર્યાંની ફરિયાદ નોંધાવી છે. ટુ વ્હીલર ગેરેજ ખોલવા ઈચ્છતાં ચિરાગને અકરમે બેન્કનો ટાર્ગેટ ખૂટતો હોઈ અન્ય કોઈ પરિચિતને લોનની જરૂર હોય તો પોતે કરાવી આપશે તેમ કહેતાં ચિરાગે તેની પત્ની લક્ષ્મીના નામે બીજી લોન મેળવવા અરજી કરી હતી. એ જ રીતે, ગાંધીનગરીમાં રહેતાં આસિફ વલીમામદ લાખા નામના યુવકને કડિયાકામ માટેના સાધનો ખરીદવા ૫.૭૫ લાખની સરકારી લોન મળશે તેમ કહી તેની સાથે ૩૫ હજાર રૂપિયાની ઠગાઈ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ ત્રણેય કિસ્સામાં અકરમ વિરુદ્ધ ગુના નોંધાયેલા છે. 


Google NewsGoogle News