આદિપુરમાં સરાજાહેર થયેલા સશસ્ત્ર હુમલા બાબતે નોંધાઈ ફરિયાદ
ત્રણ ગાડીમાં આવેલા ૮ શખ્સોએ ઘાતકી હથિયારો વડે હુમલો કરતા બે ઘાયલ
ગાંધીધામ: આદિપુરના જુમાપીર ફાટક પાસે યુવાનોના બે જૂથ વચ્ચે સરાજાહેર મારમારીનો બનાવ બન્યો હતો. જેમાં થાર ગાડી વડે બોલેરો કારમાં સામસામે ભટકાવી નુકસાન પહોંચાડયા બાદ, સ્કોપઓ અને બલેનો કારમાં આવેલા ૭ શખ્સો ઘાતક હથિયારો વડે યુવાન પર તૂટી પડયા હતા. જેમાં યુવાન અને તેના મિત્રને ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી. જેમાં પોલીસ ચોપડે કુલ ૮ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
મૂળ ભચાઉનાં ખોડાસરનાં હાલે દિલુભા રામભા ગઢવીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત શુક્રવારે બપોરનાં ભાગે બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદી પોતાની બોલેરો કાર લઈ જતો હતો. દરમિયાન આદિપુર જુમા પીર ફાટક મલયાલમ નગર ત્રણ રસ્તા પાસે આરોપી કરશનભા ઉર્ફે દિનેશભા નારણભા ગઢવી પોતાની કબ્જાની થાર ગાડીમાં આવી ફરિયાદીની બોલેરો કાર સામે ભટકાવી દીધી હતી. અને આરોપી કરશનભા સાથે સ્કોપઓ કાર અને બલેનો કારમાં આવેલા નવીનભા રાજભા ગઢવી, રાણાભા નારણભા ગઢવી, ભરતભા ખોડુભા ગઢવી, મિતુલ ધીરુભા ગઢવી, મિત મનુભા ગઢવી, ઈશ્વર મનુભા ગઢવી અને મહેશ મોમાયાભા ગઢવી (રહે. તમામ મેઘપર-બોરીચી, અંજાર) એક સંપ કરી પ્રાણ ઘાતક હથિયારો વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને પગનાં ભાગે અને હાથની આંગળીઓમાં ફ્રેક્ચર સહિત ઇજાઓ પહોંચી હતી. તેમજ ફરિયાદી સાથે તેમના મિત્રને મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીને તમામ ૮ આરોપીએ અમારા સાથે દુશ્મની મોંઘી પડશે હવે મળ્યા તો મારી નાખશુ કહી ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ તમામ ૮ આરોપીઓ વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.