દિવાળી બાદની છઠ પૂજા દરમિયાન શોર્ટ લગતા 16 વર્ષીય કિશોરનું થયું હતું મોત
મેઘપર-બો.માં બનેલા બનાવમાં પોલીસે ૬ મહિને ફરિયાદ નોંધી
લાઈટ ડેકોરેશન સમયે ખુલ્લા અને જોખમી વાયર લગાડનાર બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
ગાંધીધામ: અંજારનાં મેઘપર બોરીચી વિસ્તારમાં ચિત્ર ગુપ્તનાં મંદિરે દિવાળી બાદની છઠ પૂજામાં લગાડેલા લાઈટ ડેકોરેશનનાં ખુલ્લા વાયરના કારણે ૧૬ વર્ષીય કિશોરને વીજ કરંટ લાગતા ઘટના સ્થળ પર તેનું મૃત્યુ થયું હતું. બે બહેનોનો એકનો એક ભાઈની અચાનક મૃત્યુની ઘટનાથી પરિવાર પર આભ ફાટયું હતું. જેમાં મૃતકનાં પિતાએ ડેકોરેશનમાં જોખમી ખુલ્લા વાયર લગાડનારા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીજીવીસીએલ દ્વારા સ્થળ પરીક્ષણ કરી ડેકોરેશન વાળાની બેદરકારી હોવા અંગેનો રિપોર્ટ આપ્યા બાદ બનાવના ૬ મહિને ફરિયાદ નોંધાઈ હતી.
અંજારનાં મેઘપર બોરીચીમાં ઓમસાઈનગરીમાં રહેતા પપ્પુસિંઘ શત્ઘ્નસિંઘે ફરિયાદ નોંધાવી હતી કે, અંજારનાં મેઘપર બોરીચીમાં ચિત્ર ગુપ્ત મંદિર ટ્રસ્ટ દ્વારા ચિત્ર ગુપ્ત મંદિરમાં તા. ૨૦-૧૧-૨૩ના છઠ પૂજા દરમિયાન બનાવ બન્યો હતો. જેમાં છઠ પૂજા કરવા માટે મંદિરની સામે કુંડ બનાવી ચારે બાજુ પડદા લગાડવામાં આવ્યા હતા અને તેના પર લાઈટ ડેકોરેશનનાં ઇલેક્ટ્રિક વાયર ખેંચવામાં આવ્યા હતા. ફરિયાદી તેના પરિવાર સાથે પૂજા કરી કુંડના ફેરા ફરી રહ્યા હતા. દરમિયાન ફરિયાદીના ૧૬ વર્ષીય કૃણાલસિંઘને ઇલેક્ટ્રિક વાયર ગળામાં અડી જતા તેને શોર્ટ લાગ્યો હતો. જેમાં કૃણાલસિંઘ રાડ પાડી જમીન પર પડી ગયો હતો. જેથી ફરિયાદીએ તેના પુત્રને લઈ ખાનગી વાહનમાં સારવાર અર્થે આદિપુર ખાતે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર પરિવાર પર આભ ફાટયાની સ્થિતિ સર્જાઈ હતી.મંદિર પરિસરમાં અચાનક બનેલી બાળકના મૃત્યુની ઘટના સાંભળતા શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પીજીવીસીએલ દ્વારા સ્થળ પરીક્ષણ કર્યું હતું અને તેમાં ડેકોરેશન વાળાની બેદરકારી હોવાનું સામે આવતા ફરિયાદીએ બેદરકારીથી ઇલેક્ટ્રિક વાયરનું ડેકોરેશન કરનાર બે આરોપી કમલેશ તુલસીપ્રસાદ કુશવાહા (રહે. મેઘપર બોરીચી અંજાર) અને નવીનકુમાર મોરારીલાલ શર્મા (રહે. આદિપુર) વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.