અનરાધાર વરસાદથી ભુજમાં સેંકડો મજૂરો ફસાયા, 67નું NDRF દ્વારા રેસ્ક્યૂ, એકનું દુઃખદ મોત
Bhuj NDRF News | કચ્છમાં વરસતા ભારે વરસાદથી માંડવી તાલુકાના મોટા કાંડાગરા પાસેના નીચાણવાળા વાડી વિસ્તારમાં પાણી ભરાઇ જતાં અહીં બનેલી લેબર કોલોનીમાં રહેતા મજૂરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોખમી પરિસ્થિતિ અંગે મજૂરો દ્વારા વહીવટીતંત્રને જાણ કરવામાં આવતા તત્કાલ અસરથી તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર પહોંચીને એનડીઆરએફની મદદથી રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ અંગે માંડવી તાલુકા વિકાસ અધિકારી અનિલભાઇ ત્રિવેદીએ માહિતી આપતા જણાવાયું હતું કે, હાઇવે નજીકના નીચાણવાળા વિસ્તારમાં ખેતરમાં બનેલી લેબર કોલોનીમાં પાણી ભરાઇ ગયા હતા. પાણીનો પ્રવાહ ખૂબ ભારે હોવાથી અંદર સુધી જઇ શકાય તેમ ન હતું. જેથી તત્કાલ ભુજથી એનડીઆરએફની ટીમ બોલાવીને સવારે ૭ કલાકથી રેસ્કયું કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં હોડીની મદદથી ૬૭ મજૂરોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જયારે એક મજૂર બચાવ કામગીરી પહેલા જ પાણીમાં ડુબી જવાથી મોત થયું હતું.
હાલ તમામ મજૂરોને અદાણી કોલોનીમાં આશ્રય આપવામાં આવ્યો છે અને તમામ માટે ભોજન, પાણી, દવા સહિતની તમામ પ્રાથમિક વ્યવસ્થા કરવામાં આવી છે.
રાહત-બચાવની કામગીરીમાં એનડીઆરએફની ટીમ સાથે પીએસઆઇ ચાવડા, વિસ્તરણ અધિકારી ભગીરથસિંહ ગોહિલ જોડાયા હતા.