ગાંધીધામમાં સરકારી નોકરીએ લગાડી દેવાનું કહી 65 હજાર પડાવી લીધા
શખ્સે પોતાની સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટનાં કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ઠગાઇ આચરી
ગાંધીધામ: પૂર્વ કચ્છનાં એસ. પી. દ્વારા યોજાયેલા લોક દરબાર બાદ વધુ એક ઠગાઇની ફરિયાદ નોંધાઈ છે.ગાંધીધામનાં મહેશ્વરીનગરમાં રહેતા આધેડને એક શખ્સે પોતાની સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી અને ફરિયાદીની દિકરીને તલાટી તરીકે સરકારી નોકરી પર લગાવી દેવાની લાલચ આપી આધેડ પાસેથી કુલ ૬૫ હજાર રૂપિયા પડાવી લઈ આધેડ સાથે ઠગાઇ કરતા શખ્સ વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.
ગાંધીધામનાં મહેશ્વરીનગરમાં રહેતા કાનજીભાઈ નારણભાઇ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, આરોપી દિપકભાઈ પટેલે ફરિયાદીને પોતાની સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી તરીકે ઓળખ આપી અને ફરિયાદીની દિકરીને ગુજરાત રાજ્યમાં તલાટી કમમંત્રીમાં નોકરી લગાવી દેવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. જેમાં આરોપી દિપક ભાઈએ ફરિયાદી પાસે દિકરીને સરકારી નોકરી પર લગાવી આપવા પેટે અલગ અલગ તારીખે કુલ ૬૫ હજાર રૂપિયા પડાવી લીધા હતા અને દિકરીને નોકરી પર ન લગાડી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.