મધ્યપ્રદેશના 17 વર્ષીય કિશોર સાથે અંજારમાં 6 લાખની છેતરપિંડી

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
મધ્યપ્રદેશના 17 વર્ષીય કિશોર સાથે અંજારમાં 6 લાખની છેતરપિંડી 1 - image


અંજારની ચીટર ગેંગ ફરી સક્રિય બની 

ગઠિયાઓએ એકનાં ત્રણ લાખ રૂપિયા કરી આપવાની લાલચ આપી અંજાર બોલાવી ઓરડીમાં બંધ કરી લીધો, કિશોર આપઘાતનો પ્રયાસ કર્યો 

ગાંધીધામ: અંજારમાં સસ્તા સોના અને એકના ડબલ આપવાની સ્કીમ આપી બહારના લોકોને અંજાર બોલાવી તેમના સાથે છેતરપિંડી કરતી ગેંગ ફરી સક્રિય બની છે. જેમાં મધ્યપ્રદેશમાં રહેતા ૧૭ વર્ષીય કિશોર સાથે ફેસબુક પર મિત્રતા કરી એક લાખનાં ત્રણ લાખ રૂપિયા કરી આપવાની લાલચ આપી કિશોરને અંજાર બોલાવ્યો હતો. જ્યાં કિશોર પાસે અંજારની એક ઓફિસમાં કુલ રૂ. ૬ લાખ રૂપિયા પડાવી લીધા હતા અને વધુ રકમની માંગણી કરી હતી. જેમાં કિશોરે વધુ રકમ આપવાની ના કહેતા  તેને અંજારનાં એક મકાનમાં બંધ કરી દીધો હતો અને તેની માતાને ફોન કરી તમારા પુત્રને લઈ જવાનું કહ્યું હતું. જેમાં કિશોરને તેની માતાને ગાંધીધામમાં સોંપી ફરી અંજાર આવ્યા તો મારી નાખશુ તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા. જે બનાવથી ડરી કિશોરે રસ્તામાં ભચાઉ નજીક હોટલમાં ઝેરી દવા પી લેતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી.

આ બનાવ અંગે મધ્યપ્રદેશનાં ઇન્દોરમાં રહેતા પુનમબેન વિનોદભાઈ સુગવાનીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદીનો ૧૭ વર્ષીય દિકરો દેવાંશની ફેસબુક પર કાતક પટેલ નામના શખ્સ સાથે મિત્રતા થઇ હતી. જેમાં કાતક નામના શખ્સે ફરિયાદીનાં પુત્રને લાલચ આપી હતી કે, અંજારમાં એક લાખના ત્રણ લાખ કરી આપવાની સ્કીમ ચાલે છે. જો તને કરવા હોય તો અંજાર આવી જા. તેવું કહ્યું હોવાથી ફરિયાદીનો પુત્ર દેવાંશ લાલચમાં આવી અને પોતાના મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લઈ અને ત્રણ લાખ રૂપિયા ભેગા કરી તેના મિત્ર વિશાલ સાથે પોતાના ઘરે જાણ કર્યા વગર અંજાર શહેરમાં આવ્યો હતો. જ્યાં દેવાંશે કાતક પટેલ નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. જેમાં કાતક આવી અને દેવાંશને અંજારમાં આવેલી એક ઓફિસે લઈ ગયો હતો. જ્યાં પહેલાથી મનોજ પટેલ નામનો શખ્સ હાજર હતો અને મનોજે દેવાંશને કહ્યું હતું કે, આ ત્રણ લાખ રૂપિયા અહીં મૂકી જાઓ અને બીજા હજી ત્રણ લાખ રૂપિયા મંગાવી લો નહિ તો આ પણ રૂપિયા પરત નહિ મળે. જેથી દેવાંશે તેના મિત્ર રાહુલનો સંપર્ક કરી તેના પાસે આંગડિયા મારફતે ત્રણ લાખ રૂપિયા મંગાવ્યા હતા.જે રૂપિયા પણ દેવાંશે આ મનોજ પટેલ નામના શખ્સને આપી દીધા હતા. જેમાં મનોજે ફરિયાદીનાં પુત્ર પાસે કુલ ૬ લાખ રૂપિયા લઈ લીધા અને વધારે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં દેવાંશે વધારે રૂપિયા આપવાની મનાઈ કરતા કાતક પટેલ અને મનોજ પટેલ તેમજ તેમની સાથે એક અજાણ્યા શખ્સે દેવાંશને અંજારનાં મદીના નગરમાં સુલેમાન બાબા સાથે મળી એક રૂમમાં બંધ કરી દીધો હતો. ત્યારબાદ આ સુલેમાન બાબાએ ફરિયાદીને ફોન કરી અને કહ્યું હતું કે, તમારો દિકરો અમારા કબ્જામાં છે અંજાર આવીને તેને લઈ જાઓ નહિ તો તેને મારી નાખશું. જેથી ફરિયાદી તાત્કાલિક અંજાર આવી પહોંચી હતી અને આ સુલેમાન બાબા નામના શખ્સને મળી હતી. જેમાં સુલેમાને ફરિયાદીને ગાંધીધામ રેલવે સ્ટેશન રહેવાનું જણાવ્યું હતું અને દેવાંશને ગાંધીધામ રેલવે સ્ટેશન ફરિયાદીને સોંપી અને ફરિયાદીને ધમકી આપી હતી કે, બીજી વખત અંજાર આવતા નહીં નહિતર મા-દીકરાને મારી નાખશુ. જેથી ફરિયાદી તેના પુત્રને લઈ મધ્યપ્રદેશ જવા રવાના થયાં હતા. જ્યાં ભચાઉ પાસે ફરિયાદીનાં પુત્રે તણાવમાં આવી અને ઝેરી દવાની ગોળીઓ ખાઈ લીધી હતી. જેથી ફરિયાદીએ તાત્કાલિક તેને અંજારની જાગૃતિ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવવામાં આવ્યો હતો. જેથી ફરિયાદીએ આ અંગે વિશ્વાસઘાત કરનાર ચાર શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News