કાનમેરના 8 મંદિરોમાં થયેલી લૂટ અને ચોરી બાબતે આરોપીઓને પકડવા 5 ટીમો બનાવાઈ
વાગડની નિષ્ક્રિય પોલીસથી મંદિરોને હવે ભગવાન જ બચાવે
છેલ્લા મંદિરમાં ચોરોએ પૂજારીને માર મારી લૂંટ પણ કરી, આરોપીઓ હાથવેંતમાં હોવાનો દાવો
રાપર તાલુકાનાં કાનમેરના એક સાથે ૮ મંદિરોને ચોરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ગાગોદર પોલીસના જણાવ્યા મુજબ મંગલવારે રાત્રે ૧ વાગ્યા આસપાસ કાનમેર ગામના વચ્છરાજ દાદાનું મંદિર, નારણદેવીનું મંદિર, મોમાઇ માતાજીનું મંદિર, રાજબાઈ માતાજીનું મંદિર, નાગબાઈ માતાજીનું મંદિર, ચામુંડા માતાજીનું મંદિર, રામજી મંદિર અને દાદાવારા ના મંદિરમાં સાળંગ દેવી મંદિર સહિત કુલ ૮ મંદિરોમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ચાંદીના છતર, મુકુટ, પાદુકા, સહિત કુલ રૂ. ૧,૫૦,૨૦૦ના મુદ્દામાલની ચોરી કરી જવામાં આવી હતી. આ બનાવમાં ૩ ચોરો જ્યારે છેલ્લા મંદિરે પહોચ્યા ત્યારે ત્યાંના પૂજારી ફરિયાદી સુનિલભાઈ કનૈયાલાલ સાધુને ચોરોએ મૂઢમાર મારી મંદિર માથી ૬ હજારના દાગીના અને ૫૪૦૦ રોકડા મળી કુલ રૂ. ૧૧,૪૦૦ના મુદ્દામાલની લૂટ ચલાવી ત્યાંથી નાસી ગયા હતા. જે ત્રણેય ચોરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. આ બનાવ અંગે ગાગોદર પોલીસના પી.આઈ. સેંગલે જણાવ્યુ હતું કે, ભચાઉ ડીવાયએસપીની અધ્યક્ષતામાં ગાગોદર, લાકડિયા, આડેસર, એલસીબી સહિતની પોલીસની મદદ લઈ કુલ ૫ ટીમો બનાવવામાં આવી છે. જેમાં ગામના બધા જ કેમેરાઓ તપાસી લેવામાં આવ્યા છે અને હવે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પણ લેવામાં આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.