Get The App

કંડલામાં ખાનગી કંપનીમાં ટેન્કમાં ઝેરી ગેસથી ગુંગળામણ થતા 5નાં મોત

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
કંડલામાં ખાનગી કંપનીમાં ટેન્કમાં ઝેરી ગેસથી  ગુંગળામણ થતા 5નાં મોત 1 - image


કંપનીની બેદરકારીના કારણે બન્યો બનાવ 

સુપરવાઈઝરને બચાવવાં જતા અન્ય ૪ કામદારો  મોતને ભેટયા 

ગાંધીધામ: ગાંધીધામનાં કંડલામાં આવેલી ખાનગી કંપનીમાં  ટેન્કમાં તળિયે સ્લજની સફાઈ કરવા ઉતરેલા ૫ કામદારોનાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મંગળવારની મધ્યરાત્રીએ ટેન્કમાં સફાઈ કરવાની કામગીરી દરમ્યાન સામાન્ય બેદરકારી ભારે પડી હતી. ઓઈલ ટેન્કમાં સ્લજ જમા થવાના કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય છે. સામાન્ય રીતે સફાઈ માટે ટેન્કમાં જવાનું થતું નથી. પરંતુ થઈ રહેલી કામગીરી દરમ્યાન કોઈ કારણસર સુરક્ષા ઉપકરણ વગર જ સુપરવાઈઝર ટેન્કમાં ઉતર્યા હતા. ટેન્કમાં ઓક્સિજન લેવલ ઘટી જતા ગૂંગળામણ થઈ હતી. જેમાં સુપરવાઈઝર બેહોશ થઇ જતા ટેન્કમાં પડી ગયો હતો. જેને બચાવવાં જતા ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરો પણ ટેન્કમાં કૂદી પાડયા હતા. જેમાં તેમનું મોત નીપજ્યુ હતુ. 

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામનાં કંડલામાં આવેલી ઈમામી એગ્રો ઓઈલ કંપનીમાં મંગળવારની રાતે એક વાગ્યા અરશામાં બનાવ બન્યો હતો. જેમાં કંપનીનાં પ્રોડક્શનમાં વપરાતા ખાધતેલનો નકામો વેસ્ટ સ્લજ ટેન્કમાં ભરાઈ જતા ટેન્કમાં સફાઈની કામગીરી ચાલુ હતી. જેમાં ટેન્કમાંથી ઉત્પન્ન થયેલા ઝેરી ગેસનાં કારણે સુપરવાઈઝ સિદ્ધાર્થ તિવારી બેહોશ થઇ ટેન્ક અંદર પડી ગયો હતો. જેમાં સુપરવાઈઝરને પડતો જોઈ ત્રણ ટેન્ક ઓપરેટર તેને બચાવવાં માટે ટેન્ક અંદર કૂદી પડયો હતો. જેમાં સુપરવાઈઝર અને ઓપરેટરને ટેન્ક અંદર ગુંગળાતા જોઈ બાજુમાં રહેલા હેલ્પર પણ ટેન્કમાં કૂદી પડયા હતા. જેમાં ટેન્ક અંદર ઓક્સિજન લેવલ ઘટી જતા ગૂંગળામણ થતા તેમના મોત થયા હતા.મરણજનાર પાંચ કામદારોને પી એમ અર્થે  આદિપુરનાં રામબાગ હોસ્પિટલ ખાતા લઈ જવામાં આવ્યા હતા.આ બનાવમાં સિદ્ધાર્થ તીવારી, અજમદ ખાન, આશીષ ગુપ્તા, આશીષ કુમાર બ અને સંજય ઠાકુરના મોત થયાં હતા. સમગ્ર ઘટનાની જાણ થતા કંડલા મરીન પોલીસ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહીતની ટીમો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જેમાં કંડલા પોલીસનાં પીઆઈ વાળાએ આ ઘટના અંગે પ્રાથમિક વિગત આપતા જણાવ્યું હતું કે, ઈમામી એગ્રો ઓઈલ કંપનીના ટેન્કના તળિયે સ્લજની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટાંકાના તળિયેથી સ્લજની સફાઈ કરવા માટે સુપરવાઈઝર અને તેમની સાથે અન્ય ચાર કર્મીઓ ટેન્કમાં ઉતર્યા હતા. જેમને ગૂંગળામણના કારણે પાંચેય લોકોના મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યુ હતુ.

સેફટી વગર કામદારો ટેન્કમાં ઉતાર્યા, કામદારોનું શોષણ અટકાવાય તે જરૂરી 

 મંગળવારની મધ્યરાત્રીએ બનેલી ઘટનાએ ખાનગી કંપનીમાં કામદારોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. ખાનગી કંપનીઓમાં કામ કરતાં કામદારોને  કોઈપણ પ્રકારની સેફટી આપવામાં આવતી નથી. કામદારોનું સખત રીતે શોષણ કરવામાં આવે છે અને જેના કારણે જ અવર નવર આવા અકસ્માતો પણ બનતા હોય છે છતાં સેફટી ઇન્સ્પેક્ટર કે અન્ય કોઈપણ અધિકારી આ બાબતે કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા ન હોવાના કારણે આવી ઘટનાઓમાં ઉછાળો આવી રહ્યો છે. એક સાથે પાંચ જીવ ગયા છતાં કંપની વિરુદ્ધ કોઈપણ પ્રકારની ફરિયાદ હજુ સુધી નોંધવામાં આવી નથી જે તંત્રની ઘોર બેદરકારી દર્શાવી રહી છે. 



Google NewsGoogle News