દુષ્કર્મ પોક્સોના કેસમાં બીદડાના યુવકને 20 વર્ષની સજા સાથે 4.20 લાખનો દંડ
લગ્ન પ્રસંગમાં મળ્યા બાદ પ્રથમ વખત કુકર્મ કરી બદનામ કરવાની ધમકી આપી હતી
આરોપીએ અપહરણ કરી મુંદરા-અમદાવાદમાં વારંવાર દુષ્કર્મ આચર્યું હતું
ભુજ: ૧૬ વર્ષની સગીરા સાથે લગ્ન પ્રસંગમાં ઓળખાણ થયા બાદ પ્રથમ વખત શરીર સબંધ બાંધીને બદનામ કરવાની ધમકી આપી અપહરણ કરીને મુંદરા અને અમદાવાદમાં વારંવાર દુષ્કર્મ કરવાના ગુનામાં બીદડાના યુવકને ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા સાથે ૪ લાખ ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
બનાવ ગત ૨૧ મે ૨૦૨૩ના રોજ માંડવી પોલીસ મથકમાં નોંધાયો હતો. બીદડા ગામે રહેતા રાહુલ વેલજી ઉર્ફે વેલીયો મહેશ્વરી (ઉ.વ.૨૧) નામના યુવકની ૧૬ વર્ષની સગીરા સાથે લગ્ન સમારોહમાં ઓળખાણ થઇ હતી. ત્યાર બાદ આરોપી અને સગીરા ઇન્સ્ટ્રાગ્રામની આડી પર વાતચિત કરતા હતા. ત્યાર બાદ સગીરા કોમ્પ્યુટર ક્લાસીસમાં જતી હતી. તે દરમિયાન આરોપી સગીરાને મળ્યો હતો. સગીરાની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાધ્યો હતો. તે પછી ૧૯ મે ૨૦૨૩ના આરોપીએ સગીરાને ફોન કરીને લગ્ન કરી લેવાનું કહ્યું હતું. સગીરાએ હજુ ઉમર નાની છે. કહી લગ્ન કરવાની ના કહી હતી. ત્યારે આરોપીએ કહ્યું હતું કે, તું લગ્ન નહીં કરે તો, આપણા વચ્ચેની વાત બધાને કહી દઇશ જેમાં તારી બદનામી થશે જેથી સગીરાને પોતે બદનામ ન થઇ જવાનો ડર લાગતાં આરોપી સાથે મોટર સાયકલથી મોટા લાયજા ગામથી મુંદરા ગઇ હતી. મુંદરામાં રાત રોકાયા બાદ બીજા દિવસે સવારે આરોપી સગીરાને અમદાવાદ લઇ ગયો હતો. અમદાવાદમાં રોકાઇને આરોપીએ સગીરાની મરજી વિરૂધ્ધ ચારથી પાંચ વખત શરીર સબંધ બાંધીને ગુનો કર્યો હતો. આ કેસમાં ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટના જજ વી.એ.બુધ્ધએ સરકાર તરફે રજુ કરાયેલા ૧૯ દસ્તાવેજી પુરાવા સાત સાક્ષીઓ અને બન્ને પક્ષના વકીલોની દલીલો સાભળ્યા બાદ આરોપી રાહુલને ઇપીકો કલમ ૩૬૩ હેઠળ ૩ વર્ષની સખત કેદની સજા અને દસ હજારનો દંડ, ઇપીકો કલમ ૩૬૬ મુજબ ૫ વર્ષની સખત કેદની સજા અને દસ હજારનો દંડ, તથા ઇપીકો કલમ ૩૭૬ ના ગુનામાં ૨૦ વર્ષની સજા અને ૨ લાખનો દંડ તેમજ પોક્સોની કલમ ૨૦ વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો. દંડના ૪ લાખ ૨૦ હજારમાંથી ૪ લાખ ભોગબનારને વળતર પેટે ચુકવી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં પ્રોસીક્યુશન તરફે સરકારી વકીલ એચ.બી.જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.