પૂર્વ કચ્છમાં જુગાર પર 5 દરોડામાં ત્રણ મહિલા સહીત 26 શખ્સોને ઝડપી લેવાયા
૧.૧૮ લાખ રોકડા સાથે ૧૩ મોબાઈલ ફોન અને ૧૧ વાહન સહીત કુલ ૫.૮૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
ગાંધીધામ: પૂર્વ કચ્છમાં પોલીસે ગાંધીધામ, રાપરના પાલનપર, ભચાઉ અને અંજારમાં રમાતી જુગાર પર કુલ ૫ દરોડા પાડી જુગાર રમતા ત્રણ મહિલા સહીત કુલ ૨૬ શખ્સોને રોકડા ૧.૧૮ લાખ સાથે ૧૩ મોબાઈલ ફોન અને ૧૧ વાહન સહીત કુલ ૫.૮૧ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે ૬ શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામનાં ગુરુકુળ વિસ્તાર વોર્ડ નં ૭-એ, ડુપ્લેક્સ નં ૧ માં આવેલા મકાનમાં રમાતી જુગાર પર બાતમી આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૭ શખ્સોને રોકડા રૂ. ૪૩,૯૦૦ સાથે ૫ મોબાઈલ ફોન અને ૩ સ્કૂટી સહીત સહીત કુલ રૂ. ૧,૮૬,૯૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.તો બીજી બાજુ રાપરનાં પાલનપર ગામના બસ સ્ટેશનની સામે આવેલી બાવળોની ઝાડીમાં રમાતી જુગાર પર રાપર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૧૦ ઈસમોમાંથી ૫ ઈસમોને રોકડા રૂ. ૪૨,૧૪૦ સાથે ૬ મોબાઈલ ફોન અને ૬ બાઈક સહીત કુલ રૂ. ૨,૮૨,૧૪૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે ૫ ઈસમો નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી બાકી ૫ ઈસમોને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને ભચાઉનાં ભવાનીપુર શેરી નં ૮ માં રમાતી જુગાર પર ભચાઉ પોલીસે દરોડો પાડી જુગાર રમતી ત્રણ મહિલાને રોકડા રૂ. ૨,૫૯૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.તેમજ ગાંધીધામનાં ગણેશનગર ચોકમાં ખુલ્લી જગ્યા પર સ્ટ્રીટ લાઈટનાં અજવાળે રમાતી જુગાર પર ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે જુગાર રમતા ૭ શખ્સોને રોકડા રૂ. ૧૬,૫૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.અને અંજારનાં જાગેશ્વેર મહાદેવ મંદિર પાસે રમાતી જુગાર પર અંજાર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડામાં જુગાર રમતા ૪ ઈસમો માંથી ૩ ઈસમોને રોકડા રૂ. ૧૨,૮૯૦ અને ૨ મોબાઈલ ફોન તેમજ ૨ વાહન સહીત કુલ રૂ. ૯૨,૮૯૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે એક આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ૪ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી બાકી એક આરોપીને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.