સગીરનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર ગાંધીધામના શખ્શને 10 વર્ષની કેદ
વર્ષ ૨૦૨૧માં બનેલા બનાવ અંગે ગાંધીધામ સ્પે. પોક્સો કોર્ટ દ્વારા અપાયો ચુકાદો
ગાંધીધામ: ગાંધીધામમાં વર્ષ ૨૦૨૧માં નરાધમે ૧૭ વર્ષીય સગીરનું અપહરણ કરી લીધા બાદ ડીસા ખાતે લઈ જય તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં ગાંધીધામની સ્પે. પોક્સો કોર્ટ દ્વારા આરોપીને ૧૦ વર્ષની કેદ સાથે દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.
તા. ૧૮-૯-૨૧ના આરોપી વિક્રમ તુલસીભાઈ માજીરાણાએ ૧૭ વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ડીસા ખાતે લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરીયાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે સગીરાના વાલી દ્વારા નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે આરોપી વિક્રમ તુલસીભાઈ માજીરાણાની ધરપકડ કરી કોર્ટમાં આરોપીની ચાર્જશીટ રજુ કરી હતી. જે કેસ ગાંધીધામ એડી.સેશન્સ જજ તેમજ (સ્પે.પોક્સો જજ) બી.જી.ગોલાણી સમક્ષ ચાલતા કેસમાં સરકાર તરફે રજૂ થયેલા સાહેદો તથા દસ્તાવેજી આધારો મેડીકલ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને તેમજ સરકારી વકીલ મહેન્દ્રસિંહ જાડેજાની ધારદાર દલીલને ધ્યાને રાખી આરોપીને ગુનેગાર ઠેરવી આઈ.પી.સી.ની કલમ ૩૬૩માં ૫ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૫,૦૦૦નો દંડ, આઈ.પી.સી.ની કલમ ૩૬૬ માં ૭ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૫,૦૦૦નો દંડ, આઈ.પી.સી.ની કલમ ૩૭૬ માં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧૫,૦૦૦નો દંડ અને પોકસો એક્ટની કલમ ૪ અને ૮ માં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧૫,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત સગીરાને નિયમ મુજબનું વળતર ચૂકવવા ભલામણ પણ કરવામાં આવી હતી.