મુંબઇના ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપી માધાપરની મહિલા સાથે 1 લાખની ઠગાઇ
તમારા પાર્સલમાં એમડી ડ્રગ્સ, હાર્ડ ડ્રાઇવ, ડોલર તથા નકલી પાસપોર્ટ છે કહીને
સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ આપતાં પોલીસે તુરંત કાર્યવાહી કરી મહિલાને તેમની પૂરેપૂરી રકમ પરત અપાવી
પ્રાપ્ત વિગતો મુજબ માધાપર રહેતા માનવીબેનને એક અજાણ્યા નંબરથી અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું હતું કે, ફેડ-એક્સ-કુરીયરમાંથી તમારૂ પાર્સલ પરત થયું છે. જો તમે કસ્ટમર કેરથી વાત કરવા માંગતા હો તો, મોબાઇલમાં બે નંબર દબાવો જેથી અમે તમારો કોલ કસ્ટમર કેરમાં ટ્રાન્ફર કરશું ત્યાર બાદ કસ્ટમર કેરમાંથી મહિલાને જણાવાયું કે, તમારૂ પાર્સલ કસ્ટમ ડીપાર્ટમેન્ટ દ્વારા પકડવામાં આવ્યું છે. પાર્સલમાં એમ.ડી.ડ્રગ્સ, હાર્ડ ડ્રાઇવ, ડોલર અને નકલી પાસપોર્ટ છે. અને આ બાબતે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઇ છે. ત્યાર બાદ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ અધિકારી તરીકેની ભોગબનાર મહિલાને પોતાની ઓળખ આપી સ્કાય-પે પર વીડિયો કોલ કરવા જણાવ્યું હતું. જેમાં બનાવટી આઇકાર્ડ, ટેરીરીઝમના રૂપિયા, ડ્રગ્સ, નકલી પાસપોર્ટ ઇરાનના શેખને મોકલતા હતા. એવી મહિલાના નામની ખોટી એફઆરઆઇ કોપી બનાવી અરજદાર મહિલાને મોકલી હતી. અને એક લેટર મોકલીને તમે કોઇ ક્રાઇમ કર્યો ન હોય અને તમે પ્રમાણિક હો તો, લેટરમાં જણાવેલા એકાઉન્ટ નંબર પર રૂપિયા ૯૬,૭૭૬ મોકલી આપો તેવું જણાવ્યું હતું. તમારા બેન્ક એકાઉન્ટની માહિતી ચેક કર્યા બાદ રકમ તમારા એકાઉન્ટમાં પરત આવી જશે તેમ જણાવ્યું હતું. ભોગબનાર મહિલાએ બીકના માર્યા અજાણ્યા શખ્સે આપેલા એકાઉન્ટ નંબર પર રૂપિયા મોકલી આપ્યા હતા. ત્યાર બાદ આ ધૂતારાઓ વધુ રકમની માગણી કરતાં પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)માં ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઇમ સેલ એલસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાની ગયેલી પૂરેપૂરી રકમ પરત અપાવી દીધી હતી.