કપડવંજના રૂપજીના મુવાડામાં ભેખડ ધસી પડતા મહિલાનું મોત, 3 ઇજાગ્રસ્ત
- સુજલામ-સુફલામની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાંખતી વખતે દુર્ઘટના સર્જાઇ
- ભારે જહેમત બાદ મજૂરોને બહાર કઢાયા, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
કપડવંજ તાલુકાના રૂપજીનામુવાડા ગામે મંગળવારની બપોરે આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગામની સીમમાં સુજલામ સુફલામ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનની કામગીરી ચાલુ હતી. આ દરમિયાન એકાએક જમીન પરની માટી ધસી પડતાં નીચે કામગીરી કરતા મજૂરોમાં ભાગદોડ મચી ગઇ હતી.
મહિલા સહિત ૪ જેટલા મજૂરો આ માટી નીચે દબાઈ ગયા હતા. મહામહેનતે આ ચારેયને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા મજૂરનુ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ?ગંભીર રીતે ઘાયલ ત્રણેય મજૂરોને ૧૦૮ મારફતે કપડવંજની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. આ ત્રણેય મજૂરોની સ્થિતિ નાજૂક બનતા કપડવંજથી બહાર સારવાર અર્થે રિફર કરાયા હોવાની માહિતી મળી છે. આ અંગે દટાયેલા ચારેય મજૂરોમાં સુમનબેન વરી, સાજનબેન કાજુભાઈ, વિશાલભાઈ દસુ અને સુરેશભાઈનો સમાવેશ થાય છે. બનાવના પગલે ભારે અફડાતફડી મચી ગઇ છે અને ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવ સ્થળે દોડી આવી છે. ગામના સરપંચ મહેન્દ્રસિંહે જણાવ્યું કે, સુજલામ સુફલામ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન કામગીરી ચાલુ હતી આ દરમિયાન ભેખડ ધસી પડતા એકનુ મોત નિપજ્યું છે જ્યારે ૩ ને સારવાર અર્થે ખસેડાયા છે.