ઉમરેઠ શહેરમાં ગેરકાયદે બોર્ડ હટાવવા મુદ્દે મહિલા ચીફ ઓફિસર પર હુમલો
- સોસાયટીના એડવર્ટાઈઝ બોર્ડથી પાલિકાના શૌચાલયને ઢાંકી દીધું હતું
- 'અમે બોર્ડ ઉતારીશું નહીં અને હટાવવા પણ નહીં દઈએ' કહી પાંચ શખ્સોએ મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીને લાફા ઝીંકી મારી નાખવાની ધમકી આપી
આણંદ : ઉમરેઠ પાલિકાની દબાણ શાખાની ટીમ ગેરકાયદે એડ્વર્ટાઈઝનું બોર્ડ હટાવવા ગઈ હતી. ત્યારે મહિલા ચીફ ઓફિસર અને દબાણ શાખાના કર્મચારીને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી પાંચ શખ્સો ભાગી ગયા હતા. આ અંગે પાંચ શખ્સો વિરૃદ્ધ ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.
ઉમરેઠ પાલિકાની દબાણ શાખાના કર્મચારી નીતિનભાઈ પટેલ સહિતની ટીમ જાગનાથ ભાગોળ ગેટની બાજુમાં ગ્રીનપાર્ક સોસાયટીની પાસે પાલિકાના હદમાં ગેરકાયદે સોસાયટીના પ્લાન્ટનું એડવર્ટાઈઝ બોર્ડ ઉતારતા હતા. ત્યારે જાઈદભાઈ મહેબુબખાન પઠાણ ઉર્ફે અમદાવાદી તથા મુસ્તાક મહેમુદમિયા બેલીમ ઉર્ફે મુસો (લંગડો)એ આ બોર્ડ કોને પૂછીને તમે ઉતાર્યું છે તેમ કહી ઝઘડો કરી બસ સ્ટેન્ડ પાસે ભગવત દલાલ ગેટની પાસે ઉમરેઠ પાલિકાનું સૌચાલય કોર્ડન કરેલું એડવર્ટાઈઝ બોર્ડ ઉતારી બતાવો તેમ કહ્યું હતું. બાદમાં દબાણ શાખાની ટીમ ત્યાં જઈ બોર્ડ ઉતારતી હતી ત્યારે ઉપરોક્ત બંને શખ્સો સહિત તોફિક નજીરખાન પઠાણ, જુનેદ ચકલાસી, ફરીદખાન પઠાણ ઢુણાદરાવાળા તમામે અપશબ્દો બોલી ચીફ ઓફિસરને બોલાવ તો જ જવા દઈશું, નહીંતો મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
ઝઘડાના સ્થળે ચીફ ઓફિસર ભારતીબેન રઘુરાઈ સોમાણી આવતા સોસાયટીનું એડ્વર્ટાઈઝિંગ બોર્ડ ગેરકાયદે હોવાથી ઉતારી લેવા કહ્યું હતું. અમે બોર્ડ ઉતારીશું નહીં અને ઉતારવા પણ નહીં દઈએ, તમારાથી થાય તે કરી લો કહી પાંચે શખ્સોએ ચીફ ઓફિસરને અપશબ્દો બોલી ધમકીઓ આપી હતી. અપશબ્દો બોલવાની ના પાડતા જાઈદ મહેબુબખાન પઠાણ ઉર્ફે અમદાવાદીએ મહિલા ચીફ ઓફિસરને લાફા મારી દીધા હતા. છોડાવવા વચ્ચે પડેલા નીતિનભાઈની ફેંટ પકડી મુસ્તાક મહેમુદમિયા બેલીમ ઉર્ફે મુસા લંગડાએ ચાર લાફા મારી દીધા હતા. બાદમાં પાંચે શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતા. સરકારી કામકાજમાં રૃકાવટ કરી માર મારી ધમકીઓ આપવા સંદર્ભે મહિલા ચીફ ઓફિસરની ફરિયાદના આધારે ઉમરેઠ પોલીસે ઉપરોક્ત પાંચે શખ્સો વિરૃદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.