ગોમતીના જળથી પવિત્ર કરાયેલા શસ્ત્રો ઠાકોરજીને ધારણ કરાવાયા
- દશેરામાં પડેલો વરસાદ શોભાયાત્રાને ન નડયો
- ડાકોરમાં 7 વર્ષે ગજરાજ પર શાહીસવારી નીકળી સમીના વૃક્ષ નીચે રક્ષા છોડવાની વિધિ સંપન્ન
ડાકોર : દશેરા નિમિત્તે ડાકોરના ઠાકોરજીના આયુધ (શસ્ત્રો)ને ગોમતીના પાણીથી પવિત્ર કરી અર્પણ કરાયા હતા. સમીના વૃક્ષે રક્ષા છોડવા માટે આજે ૭ વર્ષ બાદ ગજરાજ ઉપર ગોપાલલાલજીની શાહી સવારી નીકળી હતી. સાંજે પાંચ વાગે ધોધમાર વરસાદ પડયો હતો પણ શોભાયાત્રા પહેલા બંધ થઈ ગયો હતો.
ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે શિવારે મંગળા આરતી બાદ ગોવાળ ભોગમાં ટાકોરજીના આયુધ (શસ્ત્રો)ને પાલખીમાં હાથીખાન સામે આવેલા ગોમતી નદીના ઘાટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં શસ્ત્રોને પવિત્ર કરી બાદમાં મંદિરના ઘુમ્મટમાં દશેરા નિમિત્તે પૂજનવિધિ કરવામાં આવી હતી. બાદમાં રણછોડરાયજીને ઢાલ, તલવાર, બાણ- તિરકમાન સહિતના આયુધ ધારણ કરાવવામાં આવ્યા હતા. સાંજે ૪ વાગે બંધબારણે ઠાકોરજીને મહાભોગ ધરાવાયો હતો. સાંજે પાંચ વાગે ડાકોર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે શોભાયાત્રા પહેલા બંધ થઈ ગયો હતો. બાદમાં રક્ષાબંધનના દિવસે ઠાકોરજીને જે રક્ષા ધારણ કરાવી હતી તે ગોપાલલાલજીને આજ્ઞાામાળા સાથે ધારણ કરાવી ગજરાજ પર ૭ વર્ષ બાદ શાહી સવારી નિકળી હતી. કોરોના બાદ પ્રથમવાર નીકળેલી શાહીસવારી ડાકોરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ત્યારે હજારો ભક્તો જોડાયા હતા.બાદમાં મુનિમહારાજની વાડીએ સમીના વૃક્ષ નીચે ગોપાલલાલજીને મંત્રોચ્ચાર અને વિધિવિધાન દ્વારા રાતે ૮.૩૦ વાગ્યે રક્ષા છોડવામાં આવી હતી.
રક્ષા છોડયા બાદ ઠાકોરજીના આયુધ ઉતારવામાં આવ્યા હતા.
ગોપાલલાલજીની સવારી પરત ફરતી વેળાએ મંદિરના મુખ્ય દ્વારે ગોપાલલાલજીની ઈન્ડિપિંડીથી નજર ઉતાર્યા બાદ ગોપાલલાલજીનો રાત્રે ૯.૩૦ વાગ્યે નિજમંદિરમાં પ્રવેશ કરાવાયો હતો. બાદમાં શાયન અને સખડી ભોગ ધરાવી નિત્યક્રમાનુસાર ઠાકોરજીને પોઢાડી દેવાયા હતા.