કપડવંજના ઈસ્લામપુરામાં પાણીજન્ય રોગચાળાની 50 સ્થાનિકોને અસર
- પાલિકા દ્વારા પીવાનું દૂષિત પાણી આવતું હોવાનો આક્ષેપ
- વોર્ડ નં.-૭માં વિકટ સ્થિતિ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નોંધ પણ લેવાતી નથી
કપડવંજ ઈસ્લામપુરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પુરૂ પાડતી પાઈપ સાથે ગટરની પાઈપમાં પંચર થવાથી મિક્સ થવાના લીધે લગભગ ૫૦ જેટલા નાગરિકોને કમળાની અસર થવા પામતા શહેરની ખાનગી ધનુષ હોસ્પિટલ તેમજ સહયોગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા તેમ વોર્ડ નં-૭ના રહીશ સૈયદ આશિફઅલી શૌકત અલીના જણાવ્યા અનુસાર આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ ગંભીર નોંધ લેવામાં આવી નથી. ત્યારે વઘુ રોગચાળો વકરે તે પહેલાં યોગ્ય નિકાલ કરવામાં નહિ આવે તો વધુ કમળાના દર્દીઓ વધી શકે તેવી પરિસ્થિતિ છે. ત્યારે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ તેવા આક્ષેપો સ્થાનિક રહીશો કરી રહ્યા છે. ઉપરાંત નજમુઈસા ઈકબાલભાઈ શેખે હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું કે, મારાજ ઘરમાં ચાર કેસ હોવાથી અમારે વીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો છે. શું નગરપાલિકા ખર્ચો આપશે તેમ જણાવ્યું હતું. માટે તાત્કાલિક ધોરણે નગરપાલિકા વકરતી જતી પરિસ્થિતિને અટકાવવા પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.